વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી દિવસોમાં ફરી એક વખત રશિયાનો (Russia) પ્રવાસ કરશે. તેઓ 16મી BRICS સમિટમાં ભાગ લેવા માટે 22-23 ઑક્ટોબર દરમિયાન રશિયાનો પ્રવાસ કરશે.
વિદેશ મંત્રાલયે અધિકારિક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 16મી BRICS સમિટમાં ભાગ લેશે. આ સમિટ રશિયાની આગેવાની હેઠળ કઝાન શહેરમાં યોજાઈ રહી છે.
આ યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી BRICS દેશોના વડાઓ તેમજ આમંત્રિત રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે, જે દરમિયાન અનેક મહત્વની બાબતો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે.
નોંધનીય છે કે BRICS એ વિવિધ દેશોનો એક સમૂહ છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઇજિપ્ત, યુથોપિયા અને UAEનો સમાવેશ થાય છે. તેના સ્થાપક સભ્યો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન હતા, જેમની વચ્ચે 2009માં પ્રથમ સમિટ યોજાઈ હતી.
જાન્યુઆરી, 2024માં યોજાયેલી સમિટમાં ઈરાન, ઇજિપ્ત, યુથોપિયા અને UAE પણ સંગઠનના સભ્યો બન્યા હતા.