Friday, January 3, 2025
More

    આજથી 2 દિવસ માટે કુવૈતની યાત્રાએ પીએમ મોદી, 43 વર્ષ બાદ આ મધ્ય-પૂર્વીય દેશની યાત્રા કરશે કોઈ ભારતીય વડાપ્રધાન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારથી (21 ડિસેમ્બર) બે દિવસ માટે કુવૈતના  (Kuwait) પ્રવાસે જઈ રહ્યા છે. કુવૈતના શાસક શેખ મશલ અલ અહમદ દ્વારા તેમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય મુલાકાત પણ કરશે. 

    પીએમ મોદીની આ યાત્રા સાથે 43 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કુવૈત જઈ રહ્યા છે. છેલ્લે વર્ષ 1981માં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ કુવૈતની યાત્રા કરી હતી. ત્યારબાદ પીએમ મોદી પહેલા પીએમ હશે, જેઓ ત્યાં જશે. 

    કુવૈતમાં શાસકના નિવાસસ્થાને પીએમ મોદીને ઔપચારિક ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવશે. ત્યારબાદ એમિર અને ક્રાઉન પ્રિન્સ બંને સાથે વડાપ્રધાન જુદી-જુદી દ્વિપક્ષીય બેઠકો કરશે, જેમાં બંને દેશોના દ્વિપક્ષીય, વ્યાપારી અને રણનીતિક સંબંધોને ચર્ચા થશે. એક પ્રતિનિધિમંડળ કક્ષાની વાતચીત પણ યોજાશે. 

    કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ વસે છે. તેમણે વડાપ્રધાનના સ્વાગત માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. પીએમ મોદી આ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. રવિવારે તેઓ યાત્રા પૂર્ણ કરીને પરત ફરશે.