Saturday, March 15, 2025
More

    ‘ડિજિટલ અરેસ્ટ એક ફ્રોડ, આવી કોઈ વ્યવસ્થા કાયદામાં નથી’: ‘મન કી બાત’માં બોલ્યા PM મોદી, જણાવ્યા ડિજિટલ સુરક્ષાના ઉપાય 

    PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રવિવારે (27 ઑક્ટોબર) માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં તાજેતરમાં ચર્ચામાં રહેલા ‘ડિજિટલ એરેસ્ટ’ (Digital Arrest) ફ્રોડની વાત કહી અને નાગરિકોને સુરક્ષિત રહેવા માટે કહ્યું. 

    વડાપ્રધાને કહ્યું કે, ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વ્યવસ્થા કાયદામાં નથી અને આ માત્ર એક ફ્રોડ છે. અમુક બદમાશોની ટોળકી છે, જેઓ સમાજના દુશ્મન છે. તેમણે એમ પણ કહ્યું કે, ડિજિટલ અરેસ્ટના નામે જે ફ્રોડ ચાલે છે તેને ડામવા માટે તમામ તપાસ એજન્સીઓ રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે અને આ માટે નેશનલ સાયબર કૉ-ઓર્ડિનેશન સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે.

    તેમણે કહ્યું કે, એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે પરંતુ ડિજિટલ અરેસ્ટના નામે થતા આ સ્કેમથી બચવા માટે જાગૃતિ અત્યંત આવશ્યક છે. જેઓ આ સાયબર ફ્રોડનો શિકાર થાય તેઓ વધુમાં વધુ લોકોને તેના વિશે જણાવે અને શાળા-કોલેજો પણ વિદ્યાર્થીઓને આ સ્કેમ વિરુદ્ધની મુહિમમાં જોડે. 

    તેમણે ડિજિટલ સુરક્ષાનાં ત્રણ ચરણ પણ જણાવ્યાં. જેમાં કહ્યું કે, ‘થોભો, વિચારો અને એક્શન લો. કૉલ આવતાં જ ગભરાયા વગર કામ લેવું અને ઉતાવળમાં કોઈ પગલું ન ભરવું. કોઈને વ્યક્તિગત જાણકારી ન આપવી અને સંભવ હોય તો સ્ક્રીનશૉટ લેવા કે રેકોર્ડિંગ કરવું. બીજા તબક્કામાં થોભીને વિચાર કરો. કોઈ પણ એજન્સી ફોન પર આવી ધમકી નહીં આપે અને ન વિડીયો કોલ પર પૂછપરછ કરે છે કે પૈસા માંગે છે. ત્રીજા તબક્કામાં તેમણે કહ્યું કે, થોભો, વિચારો અને ત્યારબાદ એક્શન લો અને રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન કે સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કરો.