Tuesday, March 25, 2025
More

    ‘નીચા વિકાસ દરને ‘હિંદુ રેટ ઑફ ગ્રોથ’ કહેવાયો, સરકારની નિષ્ફળતા ઢાંકવા આખા સમુદાયનું અપમાન થયું’: સંસદમાં પીએમ મોદીએ યાદ કરાવ્યાં કોંગ્રેસનાં કારસ્તાન

    ગુરુવારે (6 ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર ચાલતી ચર્ચામાં રાજ્યસભામાં જવાબ રજૂ કર્યો હતો. દરમ્યાન, તેમણે કોંગ્રેસ પાર્ટી પર તેની અગાઉની નીતિ અને ગેરવહીવટનો ઉલ્લેખ કરીને પ્રહાર કર્યા. સાથે વડાપ્રધાને યાદ કરાવ્યું કે કઈ રીતે સરકારની કુનીતિઓ અને કુપ્રબંધનને ઢાંકવા માટે હિંદુ સમુદાયને બદનામ કરવામાં આવ્યો હતો. 

    વડાપ્રધાને કહ્યું, “દેશના યુવાનોને ખબર હોવી જોઈએ કે જેઓ આજે મોટાં-મોટાં ભાષણો આપી રહ્યા છે તેમણે શું કર્યું હતું. તમામ પ્રતિબંધો અને લાયસન્સ રાજની નીતિઓએ ભારતને વિશ્વના સૌથી ધીમા આર્થિક વૃદ્ધિ દરમાં ધકેલી દીધું હતું. પણ શું તમે જાણો છો, આ નિષ્ફળતાને દુનિયામાં કયા નામે ઓળખાવવાની શરૂઆત થઈ? હિંદુ રેટ ઑફ ગ્રોથ.”

    તેમણે આગળ કહ્યું, “એક સમાજનું અપમાન. નિષ્ફળતા સરકારમાં બેઠેલા લોકોની, વાંક દિવસ-રાત ભ્રષ્ટાચારમાં ડૂબેલા લોકોને અને ગાળો પડી એક બહુ મોટા સમાજને.”

    પીએમ મોદીએ ઉમેર્યું કે, “શાહી પરિવારના આર્થિક કુપ્રબંધન અને ખોટી નીતિઓના કારણે આખા સમુદાયને દોષી ઠેરવવામાં આવ્યો અને વિશ્વભરમાં બદનામ કરવામાં આવ્યો. જ્યારે ઇતિહાસ જોઈએ તો ભારતના લોકોની નીતિઓ એવી જ રહી છે કે તેઓ સદીઓ અને હજારો વર્ષોથી ફ્રી ટ્રેડમાં વિશ્વાસ કરતા હતા.”