Monday, June 16, 2025
More

    ‘આપણે દેવથી દેશ અને રામથી રાષ્ટ્રનો જીવનમંત્ર લઈને ચાલનારા’: સંઘના કાર્યકરો વિશે પીએમ મોદીએ કહ્યું- જ્યાં સેવાકાર્ય, ત્યાં સ્વયંસેવક

    નાગપુરમાં માધવ નેત્રાલયના શિલાન્યાસ પ્રસંગે સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ સંઘના સ્વયંસેવકો અને તેમની નિઃસ્વાર્થ સેવાને પણ બિરદાવી. તેમણે કહ્યું કે કઈ રીતે સંઘના સેવકો પોતાની પીડા કે પરેશાની જોયા વગર સેવાનો મંત્ર લઈને કામ કરતા રહે છે. 

    પીએમ મોદીએ કહ્યું, “આપણે દેવથી દેશ અને રામથી રાષ્ટ્રનો જીવનમંત્ર લઈને કર્તવ્ય નિભાવતા જઈએ છીએ. એટલે જ આપણે જોઈએ છીએ, નાનું-મોટું કોઈ પણ કામ હોય, કોઈ પણ કાર્યક્ષેત્ર હોય, સીમાવર્તી ગામ હોય, પર્વતીય ક્ષેત્ર હોય કે વનક્ષેત્ર હોય, સંઘના સ્વયંસેવકો નિઃસ્વાર્થભાવે કાર્ય કરતા રહે છે. 

    ક્યાંક કોઈ વનવાસી કલ્યાણને પોતાનું ધ્યેય માનીને લાગેલું છે, ક્યાંય કોઈ સાંસ્કૃતિક જાગરણના મિશનમાં લાગેલું છે, ક્યાંક કોઈ સેવાભારતી સાથે જોડાઈને ગરીબો અને વંચિતોની સેવા કરી રહ્યું છે. આપણે મહાકુંભમાં પણ જોયું કે નેત્રકુંભમાં કઈ રીતે સ્વયંસેવકોએ લાખો લોકોની મદદ કરી. 

    તેમણે ઉમેર્યું કે, “એનો અર્થ એ થયો કે જ્યાં સેવાકાર્ય, ત્યાં સ્વયંસેવક. ક્યાંક કોઈ આપદા આવે, પૂરની તબાહી હોય કે ભૂકંપની વિભીષિકા હોય..સ્વયંસેવક એક અનુશાસિત સિપાઈની જેમ તરત સ્થળ પર પહોંચે છે. કોઈ પોતાની પરેશાની કે પીડા નથી જોતું, બસ સેવાભાવનાથી આપણે કામમાં પરોવાઈ જઈએ છીએ.”