Friday, March 28, 2025
More

    ‘હવે એક દેશ, એક સિવિલ કોડ તરફ આગળ વધી રહ્યો છે દેશ’: એકતા દિવસે PM મોદીનું મોટું એલાન, જાહેર મંચ પરથી UCCનો ફરી કર્યો ઉલ્લેખ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરુવારે (31 ઑક્ટોબર) સરદાર પટેલ જયંતીએ એકતા નગર (Ekta Nagar) ખાતે વિશેષ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા. અહીં તેમણે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ સંબોધન પણ કર્યું, જેમાં તેમણે ફરી એક વખત UCCનો ઉલ્લેખ કર્યો. 

    પીએમ મોદીએ કહ્યું કે, આજે આપણે વન નેશન, વન ઇલેક્શન અને વન નેશન, વન સિવિલ કોડ તરફ આગળ વધી રહ્યા છીએ. 

    પીએમ મોદીએ વન નેશન, વન આઇડેન્ટિટી, GST, રાશન કાર્ડથી ગરીબોને મળતી સુવિધાઓનું એકીકૃતકરણ અને આયુષ્માન ભારત થકી આપતી વન નેશન, વન ઇન્સ્યોરન્સની સુવિધાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે એકતાના પ્રયાસોના ભાગરૂપે આપણે ‘વન નેશન, વન ઇલેક્શન’ પર પણ કામ કરી રહ્યા છીએ, જેનાથી દેશના લોકતંત્રને મજબૂતી મળશે અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટેના પ્રયાસોને ગતિ પ્રાપ્ત થશે. 

    તેમણે આગળ કહ્યું કે, ભારત આજે ‘વન નેશન, વન સિવિલ કોડ’ એટલે કે સેક્યુલર સિવિલ કોડ તરફ પણ આગળ વધી રહ્યું છે. તેઓ ઉમેરે છે કે, “મેં લાલ કિલ્લા પરથી આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, તેના મૂળમાં પણ સરદાર સાહેબની સામાજિક એકતાની વાત જ આપણી પ્રેરણા છે. આજે અલગ-અલગ સામાજિક વર્ગોની ભેદભાવની ફરિયાદ રહે છે, તેને દૂર કરવામાં આ કોડ મદદરૂપ થશે. દેશની એકતા વધુ મજબૂત થશે અને દેશ પોતાના સંકલ્પોને સિદ્ધ કરશે.