Wednesday, December 4, 2024
More

    ‘કાયરતાપૂર્ણ હુમલાઓ, કેનેડિયન સરકાર સુરક્ષા સુનિશ્ચિત કરે’: કેનેડામાં હિંદુ મંદિર પર ખાલિસ્તાની હુમલા બાદ PM મોદીનું નિવેદન

    કેનેડામાં (Canada) બ્રેમ્પટન અને સરેમાં હિંદુ મંદિરો અને શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ વિશે જાહેર નિવેદન આપ્યું છે અને કેનેડાની સરકારને કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. 

    X પર પોસ્ટ કરતાં PM મોદીએ લખ્યું કે, “કેનેડામાં હિંદુ મંદિર પર કરવામાં આવેલા હુમલાની હું કડક શબ્દોમાં ટીકા કરું છું. ઉપરાંત, અમારા રાજદ્વારીઓને ધમકાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રકારનાં હિંસાત્મક કૃત્યોથી ભારતના વલણમાં કોઈ ફેર પડશે નહીં.”

    તેમણે આગળ લખ્યું કે, “અમે કેનેડાની સરકાર સમક્ષ આશા રાખીએ છીએ કે તેઓ ન્યાય સુનિશ્ચિત કરીને કાયદો અને વ્યવસ્થા જાળવશે.”

    નોંધનીય છે કે તાજેતરમાં જ કેનેડાના બ્રેમ્પટનમાં હિંદુ સભા મંદિરમાં એકઠા થયેલા શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓએ હુમલો કરી દીધો હતો. જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેમાં ખાલિસ્તાનીઓ હિંદુઓ સાથે મારપીટ કરતા જોવા મળે છે. 

    ઉપરાંત, સરે શહેરમાં પણ ખાલિસ્તાનીઓ એક મંદિરમાં ધસી ગયા હતા. આ એ જ શહેર છે જ્યાં આતંકી નિજ્જરની હત્યા થઈ હતી.