મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સંભાજીનગરમાં પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં આ ચૂંટણી માત્ર નવી સરકાર પસંદ કરવાની ચૂંટણી નથી. આ ચૂંટણીમાં એક તરફ સંભાજી મહારાજને માનનારા દેશભક્તો છે તો બીજી તરફ ઔરંગઝેબના વખાણ કરનારા પણ છે.”
PM મોદીએ કહ્યું હતું કે, “જેમને સંભાજી મહારાજના નામથી વાંધો છે, જેમને તેમની હત્યા કરનારાઓના નામ પર મસીહા દેખાય છે, શું તેઓ મહારાષ્ટ્ર અને મરાઠાના ગૌરવ સામે નથી ઉભા? શું આ લોકો આપણી ઓળખની વિરુદ્ધ નથી ઉભા? શું મહારાષ્ટ્ર આવા લોકોનો ક્યારેય સ્વીકાર કરશે?”
આ ઉપરાંત તેમણે બાળા સાહેબ ઠાકરેને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ આખું મહારાષ્ટ્ર જાણે છે કે છત્રપતિ સંભાજીનગરને આ નામ આપવાની માંગ બાળાસાહેબ ઠાકરેએ કરી હતી. આઘાડી સરકાર 2.5 વર્ષ સુધી સત્તામાં હતી પરંતુ કોંગ્રેસના દબાણ હેઠળ આ લોકોમાં હિંમત ન હતી. મહાયુતિ સરકાર સત્તામાં આવતાંની સાથે જ શહેરનું નામ ઔરંગાબાદથી બદલીને છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું હતું. અમે બાળાસાહેબ ઠાકરેની ઈચ્છા પૂરી કરી.”