વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મોરેશિયસની યાત્રા પર છે. જ્યાં તેમને ત્યાંના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી છે.
એક કાર્યક્રમમાં મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલમ દ્વારા આ ઘોષણા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઑફ ધ ઓર્ડર ઑફ ધ સ્ટાર એન્ડ કી ઑફ ધ ઇન્ડિયન ઓસન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, જે મોરેશિયસનો સર્વોચ્ચ સન્માન પુરસ્કાર છે.
આ પુરસ્કાર મેળવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય બન્યા છે. જ્યારે મોરેશિયસ દુનિયાનો 21મો એવો દેશ છે, જેનું પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન મળ્યું હોય. પીએમ મોદીએ આ સન્માન સ્વીકારતાં કહ્યું કે, તેનો હું વિનમ્રતાથી સ્વીકાર કરું છું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસ માટે મોરેશિયસની યાત્રાએ ગયા છે. અહીં તેઓ ત્યાંના રાષ્ટ્રીય દિવસમાં ભાગ લેશે. આ સિવાય વડાપ્રધાન, રાષ્ટ્રપતિ વગેરે સાથે મુલાકાત કરશે. ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત આયોજિત છે.