Saturday, April 26, 2025
More

    ‘આ ક્ષણ ઐતિહાસિક, હવે વક્ફ વ્યવસ્થામાં પારદર્શિતા આવશે’: વક્ફ બિલ પસાર થયા બાદ પીએમ મોદી, ગૃહમંત્રી શાહે કહ્યું- ન્યાય અને સમાનતાના નવા યુગની શરૂઆત

    સંસદના બંને ગૃહોમાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill) પસાર થયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. નોંધનીય છે કે PM મોદી વર્તમાનમાં થાઇલેન્ડમાં BIMSTECની મુલાકાતે ગયેલા છે. ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

    વક્ફ બિલ અંગે PM મોદીએ લખ્યું હતું કે, “સંસદના બંને ગૃહોમાં વક્ફ (સુધારા) બિલ અને મુસ્લિમ વક્ફ (રદ) બિલ પસાર થવું એ દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. તે સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શિતા અને સમાવિષ્ટ વિકાસ પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને સામે લાવે છે. આ ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે, જેમનો અવાજ સાંભળવામાં આવ્યો નથી અને જેમને તકોથી વંચિત રાખવામાં આવ્યા છે.”

    આ ઉપરાંત તેમણે બિલને સમર્થન આપનારા સાંસદોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, “સંસદ અને સમિતિમાં ચર્ચામાં ભાગ લેનારા અને પોતાના મંતવ્યો વ્યક્ત કરનારા તમામ સાંસદોનો હૃદયપૂર્વક આભાર. આ ચર્ચાઓએ બિલને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી છે. આ પ્રસંગે, હું સંસદીય સમિતિને પોતાના મૂલ્યવાન સૂચનો મોકલનારા અસંખ્ય લોકોનો પણ ખાસ આભાર માનું છું. આ ફરી એકવાર દર્શાવે છે કે વ્યાપક ચર્ચા અને સંવાદ કેટલો મહત્વપૂર્ણ છે.”

    બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ બિલને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે પણ પોસ્ટ કરીને લખ્યું હતું કે, “આજે એક ઐતિહાસિક દિવસ છે, જ્યારે સંસદે ‘વક્ફ (સુધારા) બિલ, 2025’ ને મંજૂરીને વર્ષોના અન્યાય અને ભ્રષ્ટાચારના યુગનો અંત લાવ્યો છે અને ન્યાય તથા સમાનતાના યુગની શરૂઆત કરી છે.”

    તેમણે કહ્યું હતું કે, “આ બિલના માધ્યમથી વકફ બોર્ડ અને વકફ મિલકતો વધુ જવાબદાર, પારદર્શક અને ન્યાયી બનશે. આનાથી મુસ્લિમ સમુદાયના ગરીબો, મહિલાઓ અને બાળકોને ચોક્કસપણે ફાયદો થશે.”

    તેમણે આ બિલ માટે PM નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ઉપરાંત લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુને અભિનંદન પાઠવ્યા તથા બિલને સમર્થન આપનારા તમામ સાંસદોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.