દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય બાદ પરંપરા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમથક ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, દિલ્હીના લોકોએ આટલો પ્રેમ વરસાવીને ઋણ ચડાવ્યું છે, તેને રાજધાનીનો વિકાસ કરીને ચૂકવીશું. આ સામાન્ય નહીં પરંતુ ઐતિહાસિક વિજય છે. દિલ્હી એક દશકની આપદામાંથી મુક્ત થઈ ગયું છે.
તેમણે કહ્યું કે, “આજે આડંબર, અહંકાર, અરાજકતા અને દિલ્હી પર જે આપદા હતી તેની હાર થઈ છે. આ પરિણામો ભાજપના કાર્યકર્તાઓની દિવસ-રાતની મહેનત અને તેમના પરિશ્રમ પર ચાર ચાંદ લગાવનારાં છે. તમામ કાર્યકર્તાઓ આ વિજયના હકદાર છે. હું ભાજપના પ્રત્યેક કાર્યકર્તાઓને આ વિજયના અભિનંદન પાઠવું છું.”
અરવિંદ કેજરીવાલ પર નામ લીધા વગર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આજે જનતાએ સાબિત કરી દીધું કે દિલ્હીની સાચી માલિક જનતા જ છે. જેમને દિલ્હીના માલિક હોવાનો ઘમંડ હતો તેમનો આજે સત્ય સાથે સામનો થઈ ગયો છે. જનતાએ શોર્ટકટવાળા રાજકારણની શોર્ટસર્કિટ કરી નાખી છે તેમ પણ તેમણે ઉમેર્યું.