Friday, December 6, 2024
More

    ‘આટલી નાની વયે અસાધારણ પ્રતિભા જોઈને આનંદ થયો’: રોડ શો દરમિયાન ચિત્ર ભેટ આપનારી વડોદરાની દિવ્યાંગ ચિત્રકારને પીએમ મોદીએ પત્ર લખ્યો

    તાજેતરમાં જ PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાની મુલાકાતે હતા ત્યારે એક દિવ્યાંગ બાળકીએ જાતે બનાવેલી બંને નેતાઓની તસવીર તેમને ભેટ આપી હતી. પીએમ મોદીએ હવે તેને એક પત્ર લખીને આશીર્વાદ આપ્યા છે.

    PM મોદીએ દીયા નામની આ બાળકીની પ્રશંસા કરતો અને તેનો આભાર માનતો પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, “વડોદરાના રોડ શૉ દરમિયાન તારા તરફથી મનોહર ચિત્રની ભેટ મેળવી અવર્ણનીય આનંદ થયો. સ્પેનથી પધારેલા રાષ્ટ્રપતિ સાંચેઝ પણ તારા દ્વારા તૈયાર કરાયેલું આ સુંદર ચિત્ર નિહાળી ખૂબ ખુશ થયા હતા.”

    આગળ તેમણે લખ્યું “આટલી નાનકડી વયે અસાધારણ પ્રતિભા અને કૌશલ્યની ઈશ્વરદત્ત કૃપા જોઈ અનહદ આનંદ થયો. તારી ચિત્રકળામાં એક ઉમદા કલાકાર તરીકેની છબી પ્રગટી આવે છે.” તેમણે ચિત્ર બદલ દિયાનો આભાર માની તેને અને તેના પરિવારને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

    ઉલ્લેખનીય છે કે રોડ શો દરમિયાન પીએમ મોદી અને વડાપ્રધાન સાંચેઝે જીપમાંથી ઉતરીને બાળકીને આશીર્વાદ આપ્યા હતા અને તેની તસવીર પણ સ્વીકારી લીધી હતી.