Tuesday, June 24, 2025
More

    26 મેથી પીએમ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર: દાહોદ અને ભુજમાં 75 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોની આપશે ભેટ

    ઑપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસ પર આવી રહ્યા છે. તેઓ 26 અને 27 મેના રોજ ગુજરાતનો પ્રવાસ કરશે અને બે દિવસ સુધી તેઓ ગુજરાતમાં જ રહેશે. આ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે અને કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપશે. ખાસ કરીને દાહોદ અને ભુજમાં તેમની સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

    આધિકારિક માહિતી અનુસાર, પીએમ મોદી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. સવારે તેઓ દાહોદ જશે અને લગભગ 11:15 કલાકે એક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે તથા એક ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી પણ આપશે. ત્યારબાદ તેઓ દાહોદમાં લગભગ ₹24,000 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

    ત્યારબાદ વડાપ્રધાન કચ્છના ભુજ જવા માટે રવાના થશે. તેઓ સાંજે 4 વાગ્યે ભુજ ખાતે ₹53,400 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ ત્યાં એક જાહેરસભાને સંબોધિત પણ કરશે. વધુમાં, તેઓ ગાંધીનગરમાં 27 મેના રોજ સવારે 11 વાગ્યે ગુજરાત શહેરી વિકાસ ગાથાની 20 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે અને શહેરી વિકાસ વર્ષ 2025ની શરૂઆત કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.