Thursday, July 10, 2025
More

    રામ મંદિરની પ્રતિકૃતિ, સરયૂ અને મહાકુંભનું પવિત્ર જળ લઈને ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા PM મોદી: અયોધ્યા મંદિર માટે આ દેશે મોકલાવી હતી શીલા અને પવિત્ર જળ

    વડાપ્રધાન મોદી (PM Modi) હાલ 5 દેશોના વિદેશ પ્રવાસે છે. ઘાનાની (Ghana) મુલાકાત બાદ શુક્રવારે (4 જુલાઈ) તેઓ ત્રિનિદાદ અને ટોબેગોની (Trinidad & Tobago) મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રાજધાની પોર્ટ ઓફ સ્પેનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીએ ત્યાના ભારતીય નાગરિકો સાથે મુલાકાત કરી તેમણે સંબોધન કર્યું હતું. ખાસ વાત એ છે કે, PM મોદીએ ત્યાં વસતા ભારતીય નાગરિકો માટે ખાસ રામ મંદિરની પ્રતિકૃતિ, સરયૂ નદી અને મહાકુંભનું પવિત્ર જળ સાથે લઇ ગયા હતા.

    મીડિયા રીપોર્ટસ મુજબ ત્રિનિદાદ અને ટોબેગો પહોંચેલા વડાપ્રધાન મોદીએ ત્યાંના PM કમલા પ્રસાદ-બિસ્સેસર (Pm kamla Persad bissessar) દ્વારા આયોજિત રાત્રિભોજન દરમિયાન તેમણે અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ, સરયૂ નદી અને પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભનું પવિત્ર જળ ભેટમાં આપ્યું હતું.

    આ અંગે તેમણે X પર પોસ્ટ પણ કરી હતી જેમાં લખ્યું હતું કે “વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસ્સેસર દ્વારા આયોજિત રાત્રિભોજનમાં, મેં તેમણે અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ, સરયૂ નદીનું અને પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભનું પવિત્ર જળ ભેટમાં આપ્યું. આ ભારત અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સબંધોનું પ્રતીક છે.”

    ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય નાગરિકોને સંબોધતા PM મોદીએ કહ્યું, ”તમે સૌએ અયોધ્યામાં 500 વર્ષ બાદ રામલલાના પરત ફરવા પર હર્ષોઉલ્લાસથી તેનું સ્વાગત કર્યું હતું. અમને યાદ છે કે તમે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ વખતે પવિત્ર જળ અને શીલાઓ મોકલી હતી. હું પણ આવી જ આસ્થા સાથે અહીં કંઈક લઈને આવ્યો છું. હું તમારા માટે અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ અને સરયૂ નદીનું પવિત્ર જળ લઈને આવ્યો છું. આ વહેતો પ્રવાહ છે જે હંમેશા આપણા મૂલ્યો અને પરંપરાઓને જીવંત રાખે છે.”