PM નરેન્દ્ર મોદી આજથી (1 માર્ચ, 2025) ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. તેઓ સાંજે 7.30 કલાક આસપાસ જામનગર એરપોર્ટ પર પહોંચશે. આ સાથે જ તેઓ જામનગરના સર્કિટ હાઉસમાં જ રાત્રિરોકાણ પણ કરશે. દરમિયાન તેઓ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા સાથે મુલાકાત કરીને તેમને જન્મદિનની શુભકામનાઓ પણ પાઠવશે.
રવિવારે (2 માર્ચ) તેઓ રિલાયન્સ રિફાઇનરી સ્થિત અનંત અંબાણીના ‘વનતારા’ એનિમલ રેકસ્યું સેન્ટરની મુલાકાત પણ લેશે. તેઓ વનતારામાં લગભગ 4 કલાક સુધી રોકાણ કરી શકે છે. ત્યારબાદ તેઓ સાસણ ગિર ખાતે નેશનલ વાઈલ્ડલાઈફ કૉન્ફરન્સમાં પણ ભાગ લેશે અને રાત્રિરોકાણ પણ કરશે.
સોમવારે (3 માર્ચ) તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. નોંધવા જેવું છે કે, મહાકુંભ પર લખેલા બ્લોગમાં પણ તેમણે કહ્યું હતું કે, મહાકુંભના સફળ આયોજન બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શન માટે જશે. જે બાદ હવે તેઓ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે.