વિધાનસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રની મુલાકાત પર ગયા છે. શનિવારે (5 ઑક્ટોબર) તેમણે રાજ્યને ₹56,000 કરોડના વિકાસકાર્યોની ભેટ પણ આપી છે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર નિશાન પણ સાધ્યું હતું. તેમણે કોંગ્રેસને દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું ઉદાહરણ આપીને કોંગ્રેસના નેતાઓ અને અન્ય સહયોગી પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું હતું.
દરમિયાન સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસ જાણે છે કે, તેમની વોટબેન્ક એક જ રહેશે, પરંતુ બાકીના લોકો સરળતાથી વિભાજિત થઈ જશે. સરળતાથી ભાગલા પડી જશે. તેથી કોંગ્રેસ અને તેના સાથીઓનું એક જ મિશન છે- સમાજના ભાગલા પાડો, લોકોના ભાગલા પાડો અને સત્તા પર કબજો કરો.”
તેમણે વધુમાં કહ્યું કે, “આપણે ભૂતકાળમાંથી શીખવાનું છે. આપણે એકતાને જ દેશની ઢાલ બનાવવાની છે અને આપણે યાદ રાખવાનું છે કે, જો આપણે વિભાજિત થઈશું તો ભાગલા પાદનારાઓની મહેફિલો સજશે. આપણે કોંગ્રેસ અને તેના મનસૂબાઓને સફળ થવા દેવાના નથી.” આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ વાશિમ જિલ્લામાં જગદંબા માતાના મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી.