Sunday, July 13, 2025
More

    ‘તણાવમાંથી પસાર થતી દુનિયા માટે યોગ એક પૉઝ બટન’: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બોલ્યા પીએમ મોદી 

    21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લઈને યોગ કર્યા. અહીં તેમણે સંબોધન પણ કર્યું. આ વખતના 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે– ‘યોગ ફોર વન અર્થ, વન હેલ્થ.’

    કાર્યક્રમમાં પાંચ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પીએમ મોદી સાથે આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યપ્રધાન પવન કલ્યાણ અને મંત્રી નારા લોકેશ વગેરે પણ હાજર રહ્યા. 

    યોગાભ્યાસ બાદ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘દુર્ભાગ્યથી આજે દુનિયા કોઈને કોઈ તણાવમાંથી પસાર થઈ રહી છે. અનેક ક્ષેત્રોમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહ્યાં છે. આવા સમયે યોગથી શાંતિની દિશા મળે છે. યોગ એક એવું પૉઝ બટન છે, જેની માનવતાને સંતુલનનો શ્વાસ લેવા અને ફરી નિયંત્રણ મેળવવા માટે જરૂર છે.”

    તેમણે ઉમેર્યું કે, આજે 11 વર્ષ બાદ આપણે જોઈ રહ્યા છીએ કે યોગ દુનિયાભરમાં કરોડો લોકોની જીવનશૈલીનો હિસ્સો બની ચૂક્યો છે. મને ગર્વ થાય છે, જ્યારે આપણા દિવ્યાંગ સાથીઓને યોગ શાસ્ત્રનો અભ્યાસ કરતા જોઉં છું. અંતરિક્ષમાં યોગ થતા જોઉં છું.”