Saturday, April 19, 2025
More

    ‘હું પુતિનને પણ કહી શકું કે આ યુદ્ધનો સમય નથી, ઝેલેન્સ્કીને પણ કહું છું કે દુનિયા ભલે તમારી સાથે હોય, પરિણામ યુદ્ધભૂમિ પર નહીં ટેબલ પર જ આવશે’: પીએમ મોદી

    અમેરિકન પોડકાસ્ટર ફ્રિડમેન સાથેની ચર્ચા દરમિયાન પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મામલે પણ વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, તેઓ એકમાત્ર એવા નેતા છે જેઓ પુતિનને પણ કહી શકે કે આ યુદ્ધનો સમય નથી અને ઝેલેન્સ્કીને પણ સમજાવી શકે કે સમાધાન યુદ્ધના મેદાન પર નહીં નીકળે. તેમણે ઉમેર્યું કે ભારતનો પોતાનો પક્ષ છે અને તે છે શાંતિ. 

    પીએમ મોદીએ કહ્યું, “ભારત બુદ્ધની ભૂમિ છે. અમારી સાંસ્કૃતિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એવી છે કે અમે શાંતિની વાત કરીએ તો વિશ્વ સાંભળે છે. અમે સંઘર્ષના પક્ષના નથી, અમે સમન્વયના પક્ષના છીએ. ન અમે પ્રકૃતિ સાથે સંઘર્ષ ઇચ્છીએ છીએ, ન રાષ્ટ્રો વચ્ચે. અમે શાંતિ સ્થાપવામાં કોઈ યોગદાન આપી શકીએ, તો એ આપવાના સતત પ્રયાસ કર્યા છે.”

    તેમણે કહ્યું, “મારા રશિયા અને સાથે, બંને સાથે ઘનિષ્ઠ સંબંધો રહ્યા છે. હું રાષ્ટ્રપતિ પુતિનને મીડિયા સામે બેસીને કહી શકું કે આ યુદ્ધનો સમય નથી. ઝેલેન્સ્કીને પણ કહું છું કે દુનિયા ગમે તેટલી તમારી સાથે ઊભી થઈ જાય, પરિણામ યુદ્ધભૂમિ પર નહીં ટેબલ પર જ નીકળશે. દુનિયા રશિયા સાથે ગમે તેટલી માથાકૂટ કરે, પણ પરિણામ ત્યારે જ નીકળી શકે, જ્યારે બંને પક્ષ બેઠા હશે.” 

    પીએમએ કહ્યું, “આજે વાતાવરણ બની રહ્યું છે તેનાથી હવે આશા જાગી છે. આ યુદ્ધથી બંને પક્ષોને અને દુનિયાને પણ ઘણું નુકસાન થઈ ચૂક્યું છે. આખા વિશ્વમાં ફૂડ, ફ્યુઅલ અને ફર્ટિલાઇઝરનું સંકટ સર્જાયું છે. ગ્લોબલ સાઉથને પણ નુકસાન થયું છે. દુનિયા શાંતિ ઇચ્છે છે. હું પણ કહું છું કે હું તટસ્થ નથી, હું શાંતિના પક્ષમાં છું.”