Friday, April 4, 2025
More

    ‘દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી ઘટના બને, સૂત્ર પાકિસ્તાન જઈને અટકે છે’: પોડકાસ્ટમાં પાડોશી દેશ વિશે બોલ્યા પીએમ મોદી 

    અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેને તાજેતરમાં તેમની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગભગ ત્રણેક કલાક વિસ્તૃત ચર્ચા કરી હતી. વિવિધ મુદ્દે બંને વચ્ચે થયેલી વાતચીત પોડકાસ્ટ સ્વરૂપે હવે પ્રકાશિત થઈ છે. 

    વાતચીત દરમિયાન ફ્રિડમેને પીએમ મોદીને ભારત અને પાકિસ્તાનના સંબંધો વિશે પૂછ્યું, જેનો વડાપ્રધાને વિગતવાર જવાબ આપ્યો હતો. 

    ઇતિહાસ ટાંકીને તેમણે કહ્યું, “વિભાજન બાદ પાકિસ્તાને સુખેથી જીવવાના સ્થાને ભારત સાથે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો. પ્રોક્સી વૉર ચાલી રહ્યું છે. આ કોઈ વિચારધારા નથી. વિચારધારા લોકોને મારવા-કાપવાની થોડી હોય….અને ભારત સાથે જ નહીં, દુનિયામાં ક્યાંય આતંકવાદની ઘટના બને તો સૂત્ર પાકિસ્તાન જઈને અટકે છે.”

    તેમણે 9/11 અને ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરીને કહ્યું કે અંતે લાદેન પાકિસ્તાનથી જ મળી આવ્યો હતો. આગળ કહ્યું, “દુનિયા ઓળખી ગઈ છે અને ભારત જ નહીં પણ આખા વિશ્વ માટે તે પરેશાનીનું કેન્દ્ર બની ગયું છે. અમે કહેતા રહ્યા છીએ કે આતંકવાદના રસ્તે કોઈનું ભલું નથી. સ્ટેટ સ્પોન્સર્ડ ટેરેરિઝમ બંધ થવું જોઈએ.”

    શાંતિના પ્રયાસો વિશે તેમણે કહ્યું, “શાંતિના પ્રયાસોના ભાગરૂપે હું પોતે પણ લાહોર ગયો હતો. શપથગ્રહણમાં પાકિસ્તાનને આમંત્રિત કર્યું, જેથી શુભ શરૂઆત થાય પણ કોઈ ફળ ન મળ્યું. આપણે આશા કરીએ કે તેમને સદબુદ્ધિ મળે અને સુખ-સમૃદ્ધિના રસ્તે જાય. કારણ કે પ્રજા પણ દુઃખી હશે, તેઓ પણ આવી જિંદગી જીવવા નહીં માંગતા હોય.”