લેક્સ ફ્રિડમેન સાથેની ચર્ચા દરમિયાન પીએમ મોદીને તેમના જીવન સાથે સંકળાયેલા એક મહત્વપૂર્ણ એપિસોડ ‘ગોધરા હિંદુ હત્યાકાંડ’ અને ત્યારબાદ ગુજરાત રમખાણો વિશે પણ પૂછવામાં આવ્યું, જેનો તેમણે વિસ્તૃત જવાબ આપ્યો.
વડાપ્રધાને કહ્યું, “હું 2002 પહેલાંના 12-15 મહિનાનું એક ચિત્ર રજૂ કરું, જેથી સ્પષ્ટ અંદાજ આવે.” ત્યારબાદ 1999ના કંધાર હાઇજેક, 2000નો લાલ કિલ્લા પરનો હુમલો, 2001નો અમેરિકાનો 9/11 હુમલો, ઑક્ટોબર 2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો, ડિસેમ્બર 2001નો સંસદ હુમલો વગેરે ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે ખૂનખરાબાની ઘટનાઓના કારણે એક ચિનગારી પેદા થઈ ગઈ હતી.
આગળ કહ્યું, “આવા સમયમાં અચાનક 7 ઑક્ટોબર 2001ના રોજ અચાનક મને મુખ્યમંત્રી પદની જવાબદારી મળી. શપથ લીધા બાદ પ્રથમ દિવસથી જ હું ભૂકંપ બાદ ચાલતા પુનર્વસનના કામમાં જોતરાયો. હું ક્યારેય સરકારમાં ન હતો, ન મેં ક્યારેય ચૂંટણી લડી ન હતી. 24 ફેબ્રુઆરી, 2002ના દિવસે હું ધારાસભ્ય બન્યો અને મેં પહેલી વખત વિધાનસભામાં પગ મૂક્યો.”
ઘટનાના દિવસનો ઉલ્લેખ કરીને કહ્યું, “27 ફેબ્રુઆરી, 2002ના દિવસે બજેટ રજૂ થવા જઈ રહ્યું હતું અને એ જ દિવસે સવારે ગોધરાની ઘટના બની. ભયંકર ઘટના હતી, લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ઉપરની તમામ ઘટનાઓનું બેકગ્રાઉન્ડ હોય અને તેમાં આટલી મોટી સંખ્યામાં લોકોને જીવતા સળગાવી દેવા…તમે કલ્પના કરી શકો કે સ્થિતિ કેવી હશે.”
રમખાણો વિશે તેમણે કહ્યું, “બહુ મોટાં રમખાણો થયાં એ પણ એક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જો 2002 પહેલાંનો ડેટા જોઈએ તો ખબર પડે છે કે ગુજરાતમાં કેટલાં રમખાણો થતાં હતાં. 2002 પહેલાં રાજ્યમાં 250થી વધુ મોટાં રમખાણો થયાં હતાં. 1969માં જે રમખાણ થયાં હતાં, એ છ મહિના ચાલ્યાં હતાં. પછી આટલી મોટી ઘટના એક સ્પાર્કિંગ પોઈન્ટ બની ગઈ, જેનાથી હિંસા થઈ ગઈ. પરંતુ ન્યાયાલયે બહુ વિગતવાર આ બાબતની તપાસ કરી.”
તેમણે ઉમેર્યું, “અમારા વિરોધીઓ ત્યારે સરકારમાં હતા અને તેઓ તો ઈચ્છતા હતા કે અમને સજા થાય. પણ ન્યાયતંત્રે વિગતવાર વિશ્લેષણ કર્યું, તપાસ કરી અને તમામ નિર્દોષ ઠેરવાયા. જેમણે ગુનો કર્યો હતો તેમને પણ ન્યાયતંત્રે સજા કરી છે.”
આગળ કહ્યું, “મહત્વની વાત એ છે કે ગુજરાતમાં 2002 બાદ આ 20-25 વર્ષમાં કોઈ મોટું રમખાણ નથી થયું. સંપૂર્ણ શાંતિ છે. અમે વૉટબેન્કનું રાજકારણ નથી કર્યું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસના મંત્ર સાથે કામ કર્યું છે. હવે વિકસિત ભારત બનાવી રહ્યા છીએ, જેમાં ગુજરાત પોતાનું યોગદાન આપી રહ્યું છે.”