Wednesday, January 29, 2025
More

    ‘આપ કી લુટીયા યમુના મેં હી ડૂબેગી’: PM મોદીએ કેજરીવાલને નદીના પાણીમાં ઝેર ભેળવવા મામલે કર્યા પ્રહાર, કહ્યું- હારથી ડરીને કંઈ પણ બોલે છે ‘AAPદા’વાળા

    તાજેતરમાં જ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) હરિયાણાની (Haryana) ભાજપ સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો કે તે યમુનાના પાણીમાં ઝેર (Poison) ભેળવી રહી છે. ત્યારે આ મામલે PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કેજરીવાલને આડેહાથ લીધા છે.

    PM મોદી દિલ્હીના કરતાર નગરમાં ‘સંકલ્પ રેલી’માં સંબોધન કર્યું હતું. દરમિયાન તેમણે કહ્યું હતું કે, “દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ હરિયાણાના લોકો પર ઘૃણાસ્પદ આરોપો લગાવ્યા છે. ‘આપદા’ના લોકો હારના ડરથી ગભરાઈ ગયા છે. શું હરિયાણાના લોકો દિલ્હીના લોકોથી અલગ છે? “

    તેમણે કહ્યું હતું કે “શું હરિયાણામાં રહેતા લોકોના કોઈ સગાં દિલ્હીમાં નથી રહેતા? શું હરિયાણાના લોકો પોતાના જ લોકોના પીવાના પાણીમાં ઝેર ભેળવી શકે છે? હરિયાણા દ્વારા મોકલવામાં આવેલું પાણી દિલ્હીમાં રહેતા દરેક વ્યક્તિ પીવે છે, જેમાં વડાપ્રધાન પણ સામેલ છે.”

    તેમણે આગળ કહ્યું હતું કે “આપદાવાળા કહે છે કે હરિયાણાના લોકો દિલ્હી મોકલવામાં આવતા પાણીમાં ઝેર ભેળવે છે. આ ફક્ત હરિયાણાનું જ નહીં પરંતુ બધા ભારતીયોનું અપમાન છે. આપણો દેશ એક એવો દેશ છે જ્યાં પીવાનું પાણી પૂરું પાડવું એક સારું કામ માનવામાં આવે છે.”

    PM મોદીએ કહ્યું કે, “તેમને હારનો એટલો ડર છે કે કંઈ પણ બોલી રહ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દિલ્હી આવી વાતો કરનારાને પાઠ ભણાવશે. ‘આપ લોગો કી લુટીયા યમુના મેં હી ડૂબેગી’ (AAPની હોડી યમુનામાં જ ડૂબશે).”