થાઈલેન્ડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે શ્રીલંકા પહોંચ્યા છે. શુક્રવારે (4 એપ્રિલ) રાત્રે તેઓ શ્રીલંકાના પાટનગર કોલંબો પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
પીએમ મોદીના સ્વાગત માટે શ્રીલંકાની સરકારના પાંચ મંત્રીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પણ ઉમટી પડ્યા, જેમણે મોદી-મોદીના નારા લગાવ્યા. પીએમ મોદીના સ્વાગત સમયે વરસાદ વરસી રહ્યો હતો, પણ છતાં લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. હવે વડાપ્રધાનનું ઔપચારિક સ્વાગત પણ થશે અને ગાર્ડ ઑફ ઑનર પણ આપવામાં આવશે.
પીએમ મોદી 6 વર્ષ બાદ શ્રીલંકા પહોંચ્યા છે. 2019માં અંતિમ વખત તેમણે પાડોશી દેશની યાત્રા કરી હતી. ત્રીજા કાર્યકાળમાં આ પ્રથમ યાત્રા છે.
The rains were no deterrent for a spectacular welcome by the Indian community in Colombo. I was deeply moved by their warmth and enthusiasm. Grateful to them! pic.twitter.com/O8YUP6Vjxw
— Narendra Modi (@narendramodi) April 4, 2025
પીએમ મોદીએ એક પોસ્ટ કરીને લખ્યું કે, કોલંબોમાં ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગતને વરસાદ પણ રોકી ન શક્યો. તેમના ઉત્સાહ અને હૂંફ જોઈને અભિભૂત છું. તેમનો આભાર.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે વડાપ્રધાનને મુલાકાતનું આમંત્રણ આપ્યું હતું.