Saturday, April 19, 2025
More

    ‘રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા રોક્યા હતા PM મોદીએ’: યુક્રેન યુદ્ધ પર બોલ્યા પૉલેન્ડના નાયબ વિદેશ મંત્રી

    પૉલેન્ડના નાયબ વિદેશ મંત્રી અને સ્ટેટ સેક્રેટરી વ્લાદિસ્લાવ ટેઓફિલ બાર્ટોસ્જેવ્સ્કીએ સોમવારે ન્યૂઝ18ને કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની ભાગીદારી માટે તેમનો દેશ આભારી છે. તેમણે વધુ એક ઘટસ્ફોટ કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા અટકાવ્યા હતા.

    તેમણે કહ્યું કે, “વડાપ્રધાન મોદીની વારસૉ યાત્રા ખૂબ સારી રહી હતી. વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા અટકાવ્યા હતા. અમે સ્થાયી શાંતિ ઈચ્છીએ છીએ. અમે યુક્રેનમાં સ્થિર અને ટકાઉ શાંતિના પક્ષધર છીએ.” પૉલેન્ડના મંત્રીનું આ નિવેદન વડાપ્રધાન મોદીના લેક્સ ફ્રિડમેન સાથેના પૉડકાસ્ટ બાદ આવ્યું છે.

    પૉડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, શાંતિ માત્ર વાતચીતના મંચ પર જ મળી શકે તેમ છે, તે યુદ્ધના મેદાનમાં નહીં મળે. તેમણે બંને યુદ્ધગ્રસ્ત દેશોને વાતચીતમાં સામેલ થવા માટે આગ્રહ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન બંને સાથે તેમના ઘનિષ્ઠ સંબંધ છે.

    તેમણે કહ્યું હતું કે, “હું રાષ્ટ્રપતિ પુતિન સાથે બેસીને કહી શકું છું કે, આ યુદ્ધનો સમય નથી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પણ કહી શકું છું કે, ભાઈ, દુનિયાના ઘણા લોકો તમારી સાથે ઊભા હો તોપણ યુદ્ધના મેદાનમાં કોઈ સમાધાન નીકળી શકશે નહીં.”