Thursday, July 17, 2025
More

    નાગપુર પહોંચ્યા પીએમ મોદી: RSS સ્મૃતિ મંદિરમાં સ્થાપક ડૉ. હેડગેવારને પુષ્પાંજલિ અર્પિત કરી, સરસંઘચાલક મોહન ભાગવતે કર્યું સ્વાગત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (30 માર્ચ) સવારે મહારાષ્ટ્રના નાગપુર પહોંચ્યા હતા. અહીં તેમણે સ્મૃતિ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. હેડગેવારને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. દરમ્યાન RSS સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા. 

    નાગપુરમાં RSS સ્મૃતિ મંદિરમાં ડૉ. હેડગેવાર અને બીજા સરસંઘચાલક એમ. એસ ગોળવેલકરનાં સ્મારક બનાવવામાં આવ્યાં છે. વડાપ્રધાને બંને નેતાઓને શ્રદ્ધાસુમન અર્પિત કર્યાં હતાં. 

    સંઘની પરંપરા રહી છે કે સ્મૃતિ મંદિરમાં કોઈ પણ હસ્તી આવે, તેમનું સ્વાગત સ્થાનિક પદાધિકારી જ કરે છે, અખિલ ભારતીય પદાધિકારી નહીં. પરંતુ પીએમ મોદીની આ મુલાકાત વખતે સ્વયં સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. 

    જોકે વડાપ્રધાને જે સ્થળની મુલાકાત લીધી એ RSSનું મુખ્યમથક નથી. સંઘનું મુખ્યમથક નાગપુરમાં જ મહાલ રોડ પર સ્થિત હેડગેવાર ભવન છે. પીએમ મોદીએ જે સ્થળની મુલાકાત લીધી એ રેશિમબાગ સ્થિત સ્મૃતિ મંદિર છે. જાણકારીના અભાવમાં ઘણી વખત આ સ્મૃતિ મંદિરને જ સંઘનું મુખ્યમથક ગણાવી દેવામાં આવે છે.