Wednesday, March 26, 2025
More

    ‘તેઓ આપણને એક સશક્ત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે’: PM મોદી સહિતના નેતાઓએ છત્રપતિ શિવાજી મહારાજની જયંતી પર પાઠવી શુભકામનાઓ

    19 ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ‘શિવજયંતિ’ તરીકે તેને ઉજવવામાં આવે છે અને શિવાજી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. આ જ અનુક્રમે PM મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓએ પણ શિવાજી મહારાજની જન્મજયંતિ પર શુભકામનાઓ પાઠવી છે.

    PM મોદીએ એક વિડીયો ટ્રિબ્યુટ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કર્યો છે અને સાથે કેપશનમાં લખ્યું છે કે, “હું છત્રપતિ શિવાજી મહારાજની તેમની જયંતી પર નમન કરું છું.” વધુમાં તેમણે કહ્યું છે કે, “તેમની વીરતા અને દૂરદર્શી નેતૃત્વએ સ્વરાજ્યનો પાયો નાખ્યો હતો.”

    તેમણે વધુમાં લખ્યું છે કે, “તેમણે ઘણી પેઢીઓને સાહસ અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખવા માટે પ્રેરિત કરી છે.તેઓ આપણને એક સશક્ત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે.”

    તે સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ શુભકામનાઓ આપી છે. તેમણે લખ્યું છે કે, “તેમની શાસન વ્યવસ્થા તેમના વિજયો જેટલી જ ઉલ્લેખનીય છે, જે આજે પણ પેઢીઓને પ્રેરિત કરે છે. એક ઉદાર શાસક અને કુશળ રણનીતિકાર, હિંદવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ પર તેમને કોટિ-કોટિ પ્રણામ.”

    આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ શુભકામનાઓ આપી છે. તેમણે વિડીયો પોસ્ટ કરીને કેપશનમાં લખ્યું છે કે, “‘હિંદવી સ્વરાજ્ય’નો ઉદઘોષ કરનારા છત્રપતિ શિવાજી મહારાજ જીવનનીતિ, કર્તવ્ય અને ધર્મપરાયણતાનો સંગમ હતા. કટ્ટરપંથી આક્રાંતાઓ વિરુદ્ધ જીવનભર સંઘર્ષ કરીને સનાતન સ્વાભિમાનના ધર્મધ્વજ રક્ષક છત્રપતિ શિવાજી મહારાજની એક રાષ્ટ્રનિર્માતા તરીકે હંમેશા સ્મરણીય રહેશે.”

    વધુમાં તેમણે કહ્યું કે, “શિવજયંતિના અવસર પર અદ્વિતીય સાહસના પ્રતિક, છત્રપતિ શિવાજી મહારાજને કોટિ-કોટિ નમન.”