Tuesday, July 15, 2025
More

    પીએમ મોદીને મળ્યું વધુ એક રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન: સાયપ્રસના ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ મકારિયોસ III’ પુરસ્કારથી કરાયા સન્માનિત

    પીએમ મોદી (PM Modi) 15 જૂનથી ત્રણ દેશની યાત્રા પર છે. પહેલા તબક્કામાં પીએમ મોદી સાયપ્રસની (Cyprus) મુલાકાત પર પહોંચ્યા છે. ત્યારબાદ તેઓ કેનેડામાં G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓ ક્રોએશિયાની મુલાકાત પણ કરવાના છે. વધુમાં સાયપ્રસના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ મકારિયોસ III’ સન્માનથી સન્માનિત કર્યાં છે. આ સન્માન સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન છે.

    માહિતી સામે આવી રહી છે કે, વડાપ્રધાન મોદીનું સાયપ્રસના રાષ્ટ્રપતિ ભવનમાં આધિકારિક સ્વાગત કરવામાં આવ્યું છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સે રાષ્ટ્રપતિ ભવનમાં ઉત્સાહભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યું છે. વધુમાં વડાપ્રધાન મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક પણ કરી છે. આ બેઠકમાં બંને દેશોના સંબંધોને લઈને વાતચીત કરવામાં આવી હોવાનું કહેવાય છે. 

    વડાપ્રધાન મોદીએ સાયપ્રસના નિકોસિયામાં રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના આધિકારિક સ્વાગત બાદ આર્કબિશપ મકારિયોસ IIIની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી. નોંધનીય છે કે, સાયપ્રસના રાષ્ટ્રપતિના આમંત્રણ પર વડાપ્રધાન મોદી તેમના દેશની મુલાકાત પર ગયા છે.

    વડાપ્રધાન મોદીએ સર્વોચ્ચ સન્માનને લઈને સાયપ્રસની સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ માત્ર તેમનું સન્માન નથી, પરંતુ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. તેમણે કહ્યું કે, “ભારતના લોકોની આશા અને આકાંક્ષાઓનું આ સન્માન છે. આ અમારા દેશના સાંસ્કૃતિક ભાઈચારા અને વસુધૈવ કુટુંબકની વિધારધારનું સન્માન છે. હું આ પુરસ્કાર ભારત અને સાયપ્રસના મૈત્રીપૂર્ણ સંબંધોને, આપણાં મૂલ્યોને અને આપણી પારસ્પરિક સમજને સમર્પિત કરું છું. તમામ ભારતીયો તરફથી હું આ સન્માનને અત્યંત વિનમ્રતા સાથે સ્વીકાર કરું છું.”