Saturday, June 28, 2025
More

    2થી 9 જુલાઈ દરમિયાન વિદેશ યાત્રાએ પીએમ મોદી: પાંચ દેશોની મુલાકાત લેશે, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ

    2 જુલાઈથી 9 જુલાઈ સુધી એક સપ્તાહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે. દરમ્યાન તેઓ પાંચેક દેશની મુલાકાત લેશે અને BRICS સમિટમાં પણ ભાગ લેશે. 

    આ વર્ષની બ્રિક્સ વાર્ષિક સમિટ બ્રાઝિલમાં યોજાઈ રહી છે. જેમાં ભાગ લેવા માટે પીએમ મોદી બ્રાઝિલ જશે. 6 અને 7 જુલાઈના રોજ આ શિખર સંમેલન યોજાશે. તે પહેલાં અને પછી પીએમ અનેક દેશોની યાત્રા કરશે. જેમાં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના અને નામિબિયાનો સમાવેશ થાય છે. 

    સૌપ્રથમ પીએમ ઘાના જશે, જ્યાં 2 અને 3 જુલાઈ દરમિયાન રોકાશે. આ ઘાનાની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. 3 અને 4 જુલાઈના રોજ પીએમ ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લેશે. 

    4 અને 5 જુલાઈના રોજ વડાપ્રધાન આર્જેન્ટીના જશે. જ્યાંથી બ્રાઝિલ જવા રવાના થશે. 5થી 8 જુલાઈ સુધી પીએમ બ્રાઝિલમાં હશે. તેઓ ચોથી વખત બ્રાઝિલ જઈ રહ્યા છે. અહીં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે, ઉપરાંત ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. 

    અંતિમ ચરણમાં પીએમ નામિબિયાની યાત્રા કરશે. જ્યાંથી ભારત આવવા માટે રવાના થશે. નામિબિયામાં પીએમ સંસદને પણ સંબોધિત કરી શકે. ઉપરાંત આ દરેક દેશની યાત્રા દરમિયાન જે-તે દેશોના વડાઓ સાથે મુલાકાત કરીને તેઓ અનેક દ્વિપક્ષીય મુદે વાતચીત કરશે. દરમિયાન આ દેશો સાથે ઘણા અગત્યના કરાર પણ થઈ શકે.