Friday, April 4, 2025
More

    BIMSTEC સમિટમાં પીએમ મોદી, મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત: વડાપ્રધાને ઉઠાવ્યો બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષાનો મુદ્દો

    થાઈલેન્ડ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે એક બેઠક કરી હતી. જેમાં તેમણે પાડોશી દેશમાં હિંદુઓની રક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. 

    આ બાબતની જાણકારી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી. મંત્રાલયે જણાવ્યું કે, વડાપ્રધાને બેઠક દરમિયાન બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બાંગ્લાદેશે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ અને હિંદુઓ પર અત્યાચારના જે કેસ ચાલી રહ્યા છે તે મામલે વિગતવાર તપાસ કરવામાં આવવી જોઈએ. 

    ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ 2024માં બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાની સરકાર પડી ભાંગ્યા બાદ અને ત્યાં નવી વચગાળાની સરકાર આવ્યા બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે. થાઈલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં આ બેઠક થઈ હતી. 

    શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા બાદ ત્યાં રહેતા હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને મોટાપાયે તેમની વિરુદ્ધ હિંસા થઈ. હિંદુ સાધુઓને પ્રતાડિત કરવામાં આવ્યા પણ યુનુસ સરકાર ‘સબ સલામત’ની વાતો કરતી રહી. બીજી તરફ ભારત સમયેસમયે હિંદુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે.