Tuesday, December 24, 2024
More

    કુવૈતમાં ભારતીય સમુદાયને મળ્યા પીએમ મોદી, મહાકુંભ માટે આપ્યું આમંત્રણ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે કુવૈતના પ્રવાસે છે. શનિવારે (21 ડિસેમ્બર) તેઓ પહોંચ્યા અને તેની સાથે જ 41 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને આ ખાડી દેશની યાત્રા કરી. અહીં તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો. 

    શનિવારે એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ભારતીય સમુદાય પણ મોટી સંખ્યામાં એકઠો થયો હતો. ત્યારબાદ વડાપ્રધાને 26મા અરેબિયન ગલ્ફ કપના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો. અહીં કુવૈતના શાસક અમીર શેખ મશાલ અલ-અહમદ અલ-જબર અલ સબાહ સાથે તેમની મુલાકાત થઈ. 

    કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી હતી. જેના માટે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પીએમ મોદીએ અહીં કુવૈતમાં રહેતા ભારતીયોને સંબોધિત કર્યા. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો, સભ્યતાઓ અને વ્યાપારી ભાગીદારીની વાત કરી. 

    અહીં વડાપ્રધાને ભારતીયોને જાન્યુઆરી-2025થી ભારતમાં આયોજિત મહાકુંભમાં ભાગ લેવા માટેનું નિમંત્રણ પણ આપ્યું હતું. 

    આ સિવાય, જ્યારે વડાપ્રધાન એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ત્યાં કુવૈતના અમુક લેખકો દ્વારા રામાયણ અને મહાભારતનું અરેબિક ભાષાંતર ભેટ આપવામાં આવ્યું હતું. જેની ઉપર તેમણે ‘જય શ્રીરામ’ અને ‘જય શ્રીકૃષ્ણ’ લખીને હસ્તાક્ષર’પણ કર્યા.