Tuesday, February 4, 2025
More

    PM મોદી 5 ફેબ્રુઆરીએ જશે મહાકુંભ: સંગમ સ્નાન કર્યા બાદ સાધુ-સંતોનો લેશે આશીર્વાદ, પૂજા અને અનુષ્ઠાન પણ કરશે

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (Prayagraj) ભવ્ય અને દિવ્ય મહાકુંભનું (Mahakumbh) આયોજન ચાલી રહ્યું છે. તેવામાં દેશના અનેક લોકો પ્રયાગ મહાકુંભમાં સંગમ સ્નાન માટે પહોંચી રહ્યા છે. ત્યારે હવે એવું જાણવા મળી રહ્યું છે કે, PM મોદી (PM Modi) પણ 5 ફેબ્રુઆરીએ મહાકુંભ પહોંચશે અને સંગમ સ્નાન પણ કરશે. વધુમાં પૂજા-અનુષ્ઠાન અને સાધુ-સંતો સાથેની મુલાકાતનું પણ કહેવાયું છે.

    વરિષ્ઠ અધિકારીઓ તરફથી મીડિયાને મળેલી માહિતી અનુસાર, 5 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી મહાકુંભ જશે. તેઓ 10 કલાક આસપાસ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ DPS હેલીપેડ માટે રવાના થશે. જ્યાંથી તેઓ ઘાટ પહોંચશે અને ઘાટ પરથી નાફ દ્વારા તેઓ મહાકુંભ જશે. કહેવાય રહ્યું છે કે, તેઓ સંગમમાં સ્નાન કર્યા બાદ ગંગા આરતી અને પૂજા-અનુષ્ઠાનમાં ભાગ લેશે.

    આ સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, PM મોદી આ દરમિયાન સાધુ-સંતો, અખાડા, આચાર્યવાડા અને દંડીવાડાના સન્યાસીઓ સાથે મુલાકાત કરશે અને તેમનો આશીર્વાદ મેળવશે. વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને પ્રયાગરાજ અને મહાકુંભ ક્ષેત્રમાં વિશેષ તૈયારી કરવામાં આવી છે અને સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

    વડાપ્રધાન મોદીનું 5 જાન્યુઆરીએ જ સંગમ સ્નાન કરવાનું કારણ આધિકારિક રીતે જાણી શકાયું નથી. પરંતુ 5 ફેબ્રુઆરીનું પોતાનું એક આધ્યાત્મિક મહત્વ છે. આ દિવસ માધ અષ્ટમી તરીકે ઓળખાય છે. હિંદુ ધર્મમાં માધ અષ્ટમી ભક્તિ અને દાન માટે જાણીતી તિથી છે. આ સાથે 5 ફેબ્રુઆરીન રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.