Monday, March 10, 2025
More

    PM મોદીએ કરી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’: ટાઇમ મેનેજમેન્ટ, સ્વાસ્થ્ય, મિત્રો, પ્રકૃતિ દરેક વિષય પર હળવા અંદાજમાં આપી ટિપ્સ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 10 ફેબ્રુઆરીના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ (Pariksha Pe Charcha 2025) કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષાના તણાવને ઘટાડવાના ઉપાયો પર વાતચીત કરી રહ્યા છે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં શરૂ થઈ ચૂક્યો છે.

    નોંધનીય છે કે આ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની આઠમી આવૃત્તિ છે અને આ વર્ષે તેમાં ખાસ કરીને પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચર્ચામાં સામેલ થયેલ વિદ્યાર્થીઓને PM મોદીએ તલ-ગોળના લાડુ ખવડાવ્યા હતા. તથા સ્વાસ્થ્ય સંકળાયેલ કેટલીક ટિપ્સ પણ આપી હતી.

    આ ઉપરાંત પ્રકૃતિના પોષણ અંગે પણ PM મોદીએ વાતચીત કરી હતી. આ સિવાય પરીક્ષાનું દબાણ દૂર કરવા માટે ક્રિકેટનું ઉદાહરણ આપ્યું હતું. પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું કે “તમે જોયું હશે કે જ્યારે ક્રિકેટ રમાય છે, ત્યારે મેચ દરમિયાન સ્ટેડિયમમાંથી અવાજ આવે છે. કોઈ કહે છે સિક્સ, કોઈ કહે છે ફોર. શું બેટ્સમેન આ બધું સાંભળે છે કે પછી તે બોલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? જો તે આ બધું સાંભળે અને ચોગ્ગા અને છગ્ગા મારવાનું શરૂ કરે, તો તે આઉટ થઈ જશે.”

    તેમણે કહ્યું કે, “આનો અર્થ એ થયો કે બેટ્સમેનને આવા દબાણની કોઈ પરવા નથી. તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર બોલ પર છે. જો તમે એ દબાણ પર ધ્યાન ન આપો અને એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો કે મારે આજે આટલું ભણવાનું છે, તો તમે તે આરામથી કરી શકશો.”

    આ સિવાય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે એવી વાતો કરી, મિત્રો, માતા-પિતા, પરિવાર અને વડીલો સબંધિત પણ વાતચીત પણ કરી હતી. આ સિવાય ટાઇમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તથા પ્રાણાયામ, ધ્યાન કેન્દ્રિત કરવા અને સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવા અંગે પણ ચર્ચા કરી હતી.