Tuesday, April 15, 2025
More

    ભૂકંપના પગલે મ્યાનમારમાં 103 અને થાઈલેન્ડમાં 4નાં મોત, 350થી વધુ ઘાયલ: PM મોદીએ કહ્યું- ભારત શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર

    મ્યાનમારમાં 28 માર્ચે આવેલા ભયાનક ભૂકંપના કારણે 300થી વધુ લોકો ઘાયલ છે અને 103 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે થાઈલેન્ડમાં 4 લોકોનાં મૃત્યુ થયાં છે અને 50થી વધુ ઘાયલ છે. ભૂકંપના પગલે ચીનમાં પણ 2 લોકો ઘાયલ થયા છે. હાલ દરેક ઠેકાણે રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યાં છે.

    બીજી તરફ, ભારત પણ દર વખતની જેમ મ્યાનમારની પણ વ્હારે આવ્યું છે. PM મોદીએ પોસ્ટ કરતાં લખ્યું છે કે, “મને મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિ વિશે ચિંતા છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”

    તેમણે લખ્યું હતું કે, “ભારત શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે. આ સંદર્ભમાં, અમે અમારા અધિકારીઓને તૈયાર રહેવા કહ્યું છે. ઉપરાંત, વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.”