Monday, June 23, 2025
More

    વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલ બ્રિજનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન, બે વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી: ભારતના પહેલા કેબલ રેલ બ્રિજનું પણ લોકાર્પણ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શુક્રવારે (6 જૂન) જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, જ્યાં તેમણે ઐતિહાસિક ચિનાબ બ્રિજનું (Chenab Bridge) લોકાર્પણ કર્યું. ઉપરાંત અંજી નદી પર ભારતનો પહેલો કેબલ રેલ બ્રિજ પણ લોકાર્પિત કર્યો. આ સિવાય બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી પણ બતાવી. 

    ચિનાબ રેલવે બ્રિજ એ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જેનું નિર્માણ ચિનાબ નદી પર કરવામાં આવ્યું છે. આ બ્રિજ 272 કિલોમીટરના ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલવે લિન્ક પ્રોજેક્ટનો એક ભાગ છે, જે કટરા-શ્રીનગર વચ્ચે યાત્રા સુગમ બનાવશે. ઉપરાંત તેનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે તે ઓલ વેધર કનેક્ટિવિટી પૂરી પાડશે. 

    વડાપ્રધાને આ ઉપરાંત અંજી નદી પર બનેલા ભારતના પહેલા કેબલ રેલવે બ્રિજનું પણ લોકાર્પણ કર્યું છે. આ બ્રિજ કટરા અને રિયાસીને જોડશે. આ બ્રિજ પણ ઉધમપુર-બારામૂલા રેલ લિન્ક પ્રોજેક્ટનો જ હિસ્સો છે. જમ્મુથી લગભગ 80 કિલોમીટર અંતરે આવેલો આ બ્રિજ નદીથી 331 મીટર ઊંચે આવેલો છે અને 725 મીટરમાં ફેલાયેલો છે. કુલ 96 મજબૂત કેબલથી તેને આધાર આપવામાં આવ્યો છે.

    વડાપ્રધાને બે વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી. જે કટરાથી શ્રીનગર વચ્ચે દોડશે, જેનાથી કાશ્મીર અને દેશના બાકીના ભાગો વચ્ચે ઓલ વેધર કનેક્ટિવિટી મળી રહેશે. ટ્રેનને ખાસ કાશ્મીરના હવામાન અને પરિસ્થિતિઓને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેન ચિનાબ બ્રિજ પરથી પસાર થશે અને કટરા-શ્રીનગર વચ્ચે મુસાફરીના સમયમાં 2થી ત્રણ કલાકનો ઘટાડો કરશે.