Thursday, July 10, 2025
More

    આચાર્ય વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન પીએમ મોદીને ‘ધર્મ ચક્રવર્તી’ના બિરુદથી સન્માનિત કરાયા 

    શનિવારે (28 જૂન) યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત થતી વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધર્મ ચક્રવર્તીના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

    સમારોહ દરમિયાન જૈન સંત દ્વારા પીએમ મોદીને સન્માનિત કરીને આશીર્વાદ આપવામાં આવ્યા. પીએમ મોદીએ સન્માન સ્વીકાર્યું હતું. 

    આચાર્ય વિદ્યાનંદજી જૈન ગુરુ અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ 22 એપ્રિલ, 1925ના રોજ કર્ણાટકના બેલગાવીમાં થયો હતો. બહુ નાની ઉંમરના દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ આગળ જતાં તેઓ આધુનિક સમયના વિદ્વાન જૈન સાધુ તરીકે ખ્યાતનામ થયા. તેમણે જૈન દર્શન પર લગભગ 50થી વધુ પુસ્તકો લખ્યાં છે. 

    દેશભરમાં પ્રાચીન જૈન મંદિરોના જીર્ણોદ્ધારમાં પણ તેમની ભૂમિકા અગત્યની છે. તેમણે ભારતભરની યાત્રા કરીને જૈન દર્શન અને શાસ્ત્રીય ભાષાઓમાં શિક્ષણ માટે નોંધપાત્ર કામ કર્યું હતું. 

    તેમની જન્મ શતાબ્દી પર 22 એપ્રિલ, 2026 સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઔપચારિક શુભારંભ પીએમ મોદીની ઉપસ્થિતિમાં 28 જૂનના રોજ કરવામાં આવ્યો. આ સમય દરમિયાન વિદ્યાનંદજીના જીવન સંદેશનો પ્રસાર કરવા માટે અનેક સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.