Saturday, April 5, 2025
More

    વધુ એક દેશ, વધુ એક સર્વોચ્ચ સન્માન: શ્રીલંકાએ પીએમ મોદીને ‘મિત્ર વિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત કર્યા

    વડાપ્રધાન મોદી થાઈલેન્ડની યાત્રા પૂર્ણ કર્યા બાદ શ્રીલંકા પહોંચ્યા છે. પાડોશી દેશ શ્રીલંકામાં ‘ગાર્ડ ઑફ ઓનર’ સાથે પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે શ્રીલંકા સરકાર દ્વારા પીએમ મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘મિત્ર વિભૂષણ પદક’થી સન્માનિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીને કોઈ વિદેશી રાષ્ટ્ર દ્વારા પ્રદાન કરવામાં આવેલું આ 22મુ આંતરરાષ્ટ્રીય સન્માન છે.

    પીએમ મોદીએ કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયયે સાથે એક જોઇન્ટ પ્રેસ કૉન્ફરન્સને પણ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત કરવામાં આવતા તે મારા માટે ગૌરવની વાત છે. આ સન્માન માત્ર મારુ સન્માન નથી, પરંતુ આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે. ભારત માટે આ એક ગર્વની વાત છે કે, અમે એક સાચા પાડોશી મિત્ર તરીકે પોતાના કર્તવ્યનું નિર્વહન કરી રહ્યા છીએ. ભલે પછી તે 2019નો આતંકી હુમલો હોય, કોવિડ મહામારી હોય કે હાલમાં આવેલી આર્થિક સમસ્યા હોય. ભારત દરેક કઠોર પરિસ્થિતિમાં શ્રીલંકાના લોકો સાથે ઊભું છે.”