Tuesday, March 25, 2025
More

    દેશ ઉજવી રહ્યો છે 76મો ગણતંત્ર દિવસ, પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

    આજે 26 જાન્યુઆરી 2025ના રોજ આખા દેશમાં ગણતંત્ર દિવસની (76th Republic Day Of India) ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આખો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે. બીજી તરફ દિલ્હી ખાતે કર્તવ્ય પથ (Kartavya Path) પર ભવ્ય સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમારોહમાં ભાગ લઈ રહ્યાં છે, તો આ વર્ષે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોબોવો સુબિઆંતો ચીફ ગેસ્ટ બનીને ભારતના મહેમાન બન્યા છે. ભારતીય સેનાની ત્રણેય પાંખો પોતાનું શક્તિ પ્રદર્શન કરીને વિશ્વમાં પોતાની હાજરી પુરાવી રહી છે.

    સમારોહનું મુખ્ય આકર્ષણ ‘ફ્લાય પાસ્ટ’ છે જેમાં ભારતીય વાયુસેનાના ઝાંબાઝ ફ્લાઈંગ ઓફિસર્સ પોતાની આવડત અને કાંડાબળ દેખાડી રહ્યા છે. કાર્યક્રમમાં દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને એડવાન્સ આર્મી ક્ષમતાનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. ત્યારે આજના આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

    તેમણે પોતાના સત્તાવાર X હેન્ડલ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં લખ્યું કે, “આજે આપણે આપણા ગૌરવશાળી ગણતંત્રની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યા છીએ. આ અવસરે આપણે તે તમામ મહાન વિભૂતિઓને નમન કરી રહ્યા છીએ, જેમણે આપણા બંધારણનું નિર્માણ કરીને તે સુનિશ્ચિત કર્યું કે આપણી વિકાસયાત્રા લોકતંત્ર, ગરિમા અને એકતા પર આધારિત હોય.”

    તેમણે આગળ લખ્યું કે, “આપણા બંધારણનાં મૂલ્યોને સંરક્ષિત કરવા સાથે-સાથે એક સશક્ત અને સમૃદ્ધ ભારત બનાવવાની દિશામાં આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ, એ જ કામના છે.”