Tuesday, March 25, 2025
More

    ‘હાલ સાત ગ્રહો એકરૂપ છે, તે જ રીતે યુરોપ અને ભારત પણ એકરૂપ છે’: ઉર્સુલા વોન ડેર લેયેને PM મોદી સાથે કરી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને (Ursula Von Der Leyen) ભારત અને યુરોપિયન યુનિયન (European Union) વચ્ચેના વેપાર કરાર અંગેની માહિતી આપી હતી. 28 ફેબ્રુઆરીના રોજ PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને વોન ડેર લેયેને પુનઃપુષ્ટિ કરી કે EU અને ભારત બંને મુક્ત વેપાર કરારને આગળ વધારવા સંમત થયા છે. બંનેએ આ વર્ષ સુધીમાં આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો સંકલ્પ લીધો હતો.

    આ દરમિયાન જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ઉર્સુલા વોન ડેર લેયેન કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મંત્રીઓ અને કમિશનરો, અમે અમારા સહયોગના ભવિષ્ય માટે નવા વિચારો સાથે યુરોપ પાછા ફરી રહ્યા છીએ. હજુ ઘણું સારું કામ કરવાનું બાકી છે.”

    તેમણે આગળ કહ્યું હતું કે, “આ વર્ષના અંતમાં યોજાનારી સમિટ માટે, ભારત અને EUની ભાગીદારી અમારા વ્યક્તિગત ભાગોના સરવાળા કરતાં વધુ છે. સાથે મળીને, અમે વધુ શક્તિશાળી છીએ, અમે વિશ્વ માટે એક સકારાત્મક સંકેત છીએ. ગ્રહો એકરૂપ છે તથા યુરોપ અને ભારત પણ એકરૂપ છે.”

    વોન ડેર લેયેને કહ્યું હતું કે, “આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી, યુરોપ અને ભારત એક સાથે આવી રહ્યા છે અને જેમ મેં સમાચારમાં વાંચ્યું છે, ગ્રહો પણ એક સાથે આવી રહ્યા છે. સૌરમંડળના સાત ગ્રહો એક રેખામાં આવી ગયા છે.”

    આ ઉપરાંત PM મોદીએ કહ્યું હતું કે, “અમે રોકાણ માળખાને મજબૂત બનાવવા માટે રોકાણ સુરક્ષા અને GI કરાર પર આગળ વધવાની ચર્ચા કરી છે. ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં, એક વિશ્વસનીય અને સુરક્ષિત મૂલ્ય શૃંખલા અમારી સહિયારી પ્રાથમિકતા છે. અમે સેમિકન્ડક્ટર, AI, ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ અને 6G માં સહયોગ વધારવા માટે પણ સંમત થયા છીએ.”

    તેમણે આગળ કહ્યું કે, “અમે અવકાશ સંવાદ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે. ઇકોલોજી અને અર્થતંત્રને સંતુલિત કરવું એ અમારી સહિયારી પ્રતિબદ્ધતા રહી છે અને આ દિશામાં અમારો મજબૂત સહયોગ છે. અમે ગ્રીન હાઇડ્રોજન ફોરમ અને ઓફશોર વિન્ડ એનર્જી બિઝનેસ સમિટ યોજવાનું નક્કી કર્યું છે.”