Tuesday, March 18, 2025
More

    PM મોદી ફ્રાન્સ યાત્રા પૂર્ણ કરીને અમેરિકા જવા રવાના: રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે થશે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક

    PM મોદી ત્રિદિવસીય ફ્રાન્સની યાત્રા પૂર્ણ કરીને અમેરિકા જવા માટે રવાના થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે, બુધવારે (12 ફેબ્રુઆરી) તેઓ અમેરિકાની બે દિવસીય યાત્રા માટે રવાના થયા છે. ફ્રાન્સમાં PM મોદીએ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જેમાં AI એક્શન સમિટ ખૂબ મહત્વપૂર્ણ હતી. આ સમિટમાંમાં ભારત સહ-અધ્યક્ષ પણ હતું.

    તમામ કાર્યક્રમો બાદ વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. જેમાં બંને દેશોના સંબંધો અને વેપારને લઈને વાત કરવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી અમેરિકા જવા માટે રવાના થયા હતા. રાષ્ટ્રપતિ મેક્રો એરપોર્ટ સુધી તેમને વિદાય આપવા પણ ગયા હતા.

    અમેરિકા યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. દુનિયાભરની નજર વડાપ્રધાન મોદીની આ યાત્રા પર છે. આ યાત્રા પહેલાં યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના અધ્યક્ષ અને CEO મુકેશ અધીએ કહ્યું છે કે, “PM મોદી-ટ્રમ્પની મુલાકાત આવનારા 4 વર્ષ માટે એજન્ડા નક્કી કરવાની શાનદાર તક છે.”

    નોંધનીય છે કે, ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ અમેરિકી યાત્રા છે. આ યાત્રા ભારત-અમેરિકાની ભાગીદારી માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સાથે જ ટ્રમ્પ સાથેની બેઠકથી ભારત અને અમેરિકાના સંબંધો પણ વધુ મજબૂત બનશે.