Thursday, December 5, 2024
More

    ‘કોંગ્રેસ પાસે વીર સાવરકર અને બાળાસાહેબની પ્રશંસા કરાવડાવી બતાવે’: પીએમ મોદીએ મહાવિકાસ આઘાડીને ફેંક્યો પડકાર

    મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરતાં શુક્રવારે (8 નવેમ્બર) PM મોદીએ નાસિકમાં એક જનસભા સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર વારંવાર વીર સાવરકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. ઉપરાંત તેમણે મહાવિકાસ અઘાડી (કોંગ્રેસ, NCP શરદ પવાર, શિવસેના UBT)ને એક પડકાર ફેંક્યો હતો.

    PM મોદીએ પડકાર ફેંકતા કહ્યું હતું કે, “બાળા સાહેબ ઠાકરેનું યોગદાન અતુલનીય છે. પરંતુ કોંગ્રેસના નેતાઓના મોઢે તેમની પ્રશંસા માટે એક શબ્દ પણ નથી નીકળતો. હું મહાવિકાસ આઘાડી સમક્ષ પડકાર ફેંકી રહ્યો છું કે તેઓ કોંગ્રેસ પાસે બાળા સાહેબ ઠાકરેની, તેમની વિચારધારાની પ્રશંસા કરાવી બતાવે.”

    તેમણે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પર પણ નિશાનો સાધ્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે, જે પાર્ટી બાળા સાહેબ ઠાકરેના હિંદુત્વવાદી વિચારો પર આધારિત છે, જે વીર સાવરકરને મરાઠાઓના નાયક માને છે તે એવી કોંગ્રસ સાથે કેવી રીતે ગઠબંધન કરી શકે જે ના બાળા સાહેબનું સન્માન કરે છે ના વીર સાવરકરનું.

    રાહુલ ગાંધીને આડેહાથ લેતાં તેમણે આગળ કહ્યું કે, “આજે 8 નવેમ્બરે મેં પડકાર ફેંક્યો છે. હવે હું દિવસો ગણીશ. MVAના સહયોગીઓ કોંગ્રેસના નેતાઓ કે તેમના ‘યુવરાજ’ને વીર સાવરકરની પ્રશંસા માટે 15 મિનીટ બોલવા માટે તૈયાર કરે.”