દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ભારતીય સેનાના જવાનો (Indian Army personnel) સાથે દિવાળીની (Diwali) ઉજવણી કરવાના છે. જાણવા મળી રહ્યું છે કે, તેઓ આ વખતે કચ્છમાં (Kutch) સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. ઉજવણીને ધ્યાને રાખીને PM મોદી કેવડીયાથી વડોદરા માટે રવાના થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. તેઓ વડોદરાથી કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશન પર પહોંચશે અને ત્યાં રહેલા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.
PM મોદી માટે આ અવસર ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કારણ કે, વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત પોતાના વતન ગુજરાતમાં દિવાળીની ઉજવણી કરવા જઈ રહ્યા છે. તે પહેલાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ તેઓ રાજ્યમાં રહેલા સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતાં હતા.
આ ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ પણ અરુણાચલના તવાંગમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા જઈ રહ્યા છે. નોંધવા જેવું છે કે, ગયા વર્ષે વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા અને સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.