Saturday, January 25, 2025
More

    ‘કટ્ટર બેઈમાનોએ દિલ્હીને આપદામાં ધકેલી દીધું’: પીએમ મોદીના કેજરીવાલ-AAP પર પ્રહાર, કહ્યું- શીશમહેલ હું પણ બનાવી શકતો હતો, પણ ગરીબોને ઘર મળે એ મારું સપનું હતું

    શુક્રવારે (3 જાન્યુઆરી) દિલ્હીમાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-શિલાન્યાસ કરતી વખતે પીએમ મોદીએ (PM Narendra Modi) આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલ (Kejriwal) પર નિશાન સાધ્યું હતું. તેમણે AAP પાર્ટીને ‘આપદા’ સાથે સરખાવી અને કહ્યું કે, દિલ્હીને આ વખતે આ આપદામાંથી મુક્ત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. સાથે તેમણે કેજરીવાલના વૈભવી મહેલ ‘શીશમહેલ’ને લઈને પણ નિશાન સાધ્યું હતું. 

    પીએમ મોદીએ કહ્યું, “છેલ્લાં 10 વર્ષથી દિલ્હી એક મોટી ‘આપદા’થી ઘેરાયેલું રહ્યું છે. અન્ના હજારેજીને આગળ કરીને અમુક કટ્ટર બેઈમાનોએ દિલ્હીને આપદામાં ધકેલી દીધું. ત્યારબાદ તેમણે શરાબ કૌભાંડ, ભરતી કૌભાંડ, શિક્ષણ અને પ્રદૂષણ વગેરે કૌભાંડને યાદ કરીને કહ્યું કે, આ લોકો દિલ્હીના વિકાસની વાત કરતા હતા, પણ તેઓ જ હવે આપદા બનીને દિલ્હી પર તૂટી પડ્યા છે. 

    વડાપ્રધાને આગળ કહ્યું કે, “દેશ સારી રીતે જાણે છે કે મોદીએ ક્યારેય પોતાના માટે ઘર નથી બનાવ્યું, પરંતુ છેલ્લાં વર્ષોમાં 4 કરોડથી વધુ ગરીબો માટે ઘર બનાવીને તેમનાં સપનાં પૂર્ણ કર્યાં છે. હું પણ શીશમહેલ બનાવી શકતો હતો, પણ મારા માટે દેશવાસીઓને પાકાં ઘર મળે એ જ એક સપનું હતું.”

    તેમણે યમુનાની સફાઈ અને અન્ય અમુક AAPની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, 2025 દિલ્હીમાં જનકલ્યાણની નવી રાજનીતિનો શુભારંભ કરશે. જેથી આપદાને હટાવવી પડશે.