Wednesday, July 9, 2025
More

    PM મોદીને મળ્યું વધુ એક દેશનું સર્વોચ્ચ સન્માન, બન્યા ઘાનાના ‘ધી ઓફિસર ઓફ ધી ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઘાના’: વડાપ્રધાને આભાર માનતા કર્યું ભારતના નાગરિકોને સમર્પિત

    PM નરેન્દ્ર મોદી હાલ વિદેશ યાત્રા પર છે. આ ઉપક્રમમાં તેઓ બુધવારે ઘાના (Ghana) દેશની મુલાકાતે પહોચ્યા હતા, જ્યાં PM મોદીને (PM Modi) ગાર્ડ ઓફ ઓનર સાથે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. ગુરુવારે (3 જુલાઈ) ઘાનાની રાજધાની અકરામાં ત્યાંના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા વડાપ્રધાન મોદીને ઘાના દેશના સર્વોચ્ચ સન્માન ‘ધી ઓફિસર ઓફ ધી ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઘાના’થી (The Officer of the Order of the Star of Ghana) સન્માનિત કરવામાં આવ્યા છે. PM મોદીની ઘાનાની આ પહેલી મુલાકાત છે.

    આ સન્માન PM મોદીને તેમની પ્રતિષ્ઠિત રાજનીતિ, પ્રભાવશાળી નેતૃત્વ અને વૈશ્વિક લીડરશીપના સન્માનમાં આપવામાં આવ્યો હતો. ઘાનાના સર્વોચ્ચ સન્માન બદલ વડાપ્રધાન મોદીએ ઘાનાના રાષ્ટ્રપતિ અને ત્યાંના નાગરિકોનો વિશેષ આભાર માન્યો હતો, અને આ સન્માન ભારતના નાગરિકોને સમર્પિત કર્યો હતો. પીએમ મોદીએ x પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “મને ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ સન્માન આપવા બદલ હું ઘાનાના લોકો અને સરકારનો આભાર માનું છું. આ સન્માન આપણા યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય, તેમની આકાંક્ષાઓ, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને ભારત અને ઘાના વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત છે”.

    વડાપ્રધાન મોદી હાલ 8 દિવસના પ્રવાસે છે. જેમાં તેઓ કુલ 5 દેશોની મુલાકાત લેશે. 2 જુલાઈના રોજ તેઓ ઘાના પહોચ્યા હતા. ઘાના બાદ હવે PM મોદી ત્રિનિદાદ અને ટોબૈગ એમ બે દેશોની મુલાકાતે જશે. જે પછી બ્રાઝીલ, નામીબિયા અને અર્જેન્ટીનાના પ્રવાસે ઉપડશે.