Tuesday, July 15, 2025
More

    ‘ફાનસ-પંજાના સકંજાથી રાજ્ય બન્યું પલાયનનું પ્રતિક’: બિહારમાં પીએમ મોદીનો RJD-કોંગ્રેસ પર પ્રહાર, રાજ્યને ₹10,000 કરોડના વિકાસકાર્યોની ભેટ

    પીએમ મોદી (PM Modi) બિહારની (Bihar) મુલાકાત પર પહોંચ્યા છે. સિવાનમાં તેમણે રાજ્યને ₹10,000 કરોથી વધુની અલગ-અલગ વિકાસ પરિયોજનાની ભેટ પણ આપી છે. આ દરમિયાન તેમણે ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. જેનો હેતુ બિહારના ઇન્ફ્રાસ્ટ્રકચર અને સામાન્ય લોકોના જીવન સ્તરમાં સુધારો કરવાનો છે.

    આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત પણ કરી છે. સભાને સંબોધિત કરતા તેમણે RJD-કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, બિહારની દુર્દશા પાછળ ‘ફાનસ અને પંજો’ જવાબદાર છે. તેમણે કહ્યું કે, “જે બિહારે સદીઓ સુધી ભારતની પ્રગતિનું નેતૃત્વ કર્યું હતું, તેને પંજા અને ફાનસે મળીને પલાયનનું પ્રતિક બનાવી દીધું છે.” 

    વધુમાં પીએમ મોદીએ લાલુ યાદવને પણ આડેહાથ લીધા હતા. તેમણે લાલુ પ્રસાદનું નામ લીધા વિના કહ્યું હતું કે, “RJD અને કોંગ્રેસના નેતાઓ દેશના બંધારણના નિર્માતાની તસવીરને પોતાના પગ પાસે રાખે છે. હું તેમની તસવીરને મારા દિલમાં રાખું છું. RJD ક્યારેય આ ઘટના માટે માફી નહીં માંગે, કારણ કે તેમના મનમાં દલિતો અને વંચિતો માટે કોઈ સન્માન નથી.” 

    નોંધનીય છે કે, તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, RJD પ્રમુખ લાલુ યાદવ એક ખુરશી પાસે બાબાસાહેબ આંબેડકરની તસવીર રાખે છે અને ત્યારબાદ તે ખુરશી પર જ પગ રાખે છે. આ વિડીયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું હતું. આ જ ઘટનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કટાક્ષ કર્યો છે.