Friday, July 11, 2025
More

    ‘ડ્રામા-થીએટરનો ઉપયોગ સરકાર વિરુદ્ધ ન થઈ શકે’: અંગ્રેજ શાસનનો કાયદો યાદ કરાવીને પીએમ મોદીએ ‘લ્યુટિયન્સ’ અને ‘ખાન માર્કેટ ગેંગ’ને ઘેરી

    દિલ્હી ખાતે NXT કૉન્ક્લેવ 2025માં સંબોધન દરમિયાન PM મોદીએ ‘લ્યુટિયન્સ જમાત’ અને ‘ખાન માર્ગેટ ગેંગ’નું નામ લઈને તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, ડ્રામેટિક પરફોર્મન્સ એક્ટ નામનો એક કાયદો હતો. આ કાયદો અંગ્રેજોએ 150 વર્ષ પહેલાં બનાવ્યો હતો.

    તેમણે વધુમાં કહ્યું કે, “ત્યારે અંગ્રેજો ઈચ્છતા હતા કે, ડ્રામા અને થીએટરનો ઉપયોગ તત્કાલીન સરકાર વિરુદ્ધ ન થાય. આ કાયદામાં એવી જોગવાઈ હતી કે જો પબ્લિક પ્લેસમાં 10 લોકો ડાન્સ કરતા મળી આવે તો તેમની ધરપકડ પણ થઈ શકે છે. આ કાયદો દેશ સ્વતંત્ર થયા બાદ 75 વર્ષ સુધી ચાલતો રહ્યો છે.”

    PM મોદીએ કહ્યું કે, “લગ્ન દરમિયાન જાન નીકળે અને 10 લોકો ડાન્સ કરી રહ્યા હોય તો વરરાજા સહિત તમામને પોલીસ પકડી શકે છે. સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ આ કાયદો ચાલતો હતો. આ કાયદો અમારી સરકારે હટાવ્યો છે.”

    તેમણે ઉમેર્યું કે, “મારે એ સમયની સરકાર અને નેતાઓને કઈ કહેવું નથી. પરંતુ મને વધુ તો આ ‘લ્યુટિયન્સ જમાત’ અને ‘ખાન માર્કેટ ગેંગ’ પર આશ્ચર્ય થાય છે. આ લોકો 75 વર્ષો સુધી આવા કાયદા પર ચૂપ કેમ હતા. આ લોકો વારંવાર કોર્ટ જતાં હોય છે, PILના ઠેકેદાર બનીને ફરે છે. તે લોકો કેમ ચૂપ હતા. ત્યારે તેમને લિબર્ટી દેખાતી નહોતી કે શું.”