Monday, July 14, 2025
More

    G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા પહોંચ્યા પીએમ મોદી: વિશ્વનેતાઓ સાથે કરશે મુલાકાત, ટ્રમ્પ અમેરિકા માટે રવાના

    પીએમ મોદી (PM Modi) G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા (Canada) પહોંચી ગયા છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષની અસર પણ બેઠકમાં થઈ રહી હોવાનું સામે આવ્યું છે. કારણ કે, યુએસ રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સમિટ અધવચ્ચે છોડીને અમેરિકા માટે રવાના થઈ ગયા છે. બીજી તરફ પીએમ મોદી વિશ્વના વિવિધ નેતાઓ સાથે પણ મુલાકાત કરવાના છે. 

    પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તેઓ કેનેડા પહોંચી ગયા છે. તેમણે લખ્યું કે, “G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કેનેડાના કેલગરી પહોંચ્યો છું. શિખર સંમેલનમાં વિભિન્ન નેતાઓ સાથે મુલાકાત કરીશ અને મહત્વપૂર્વ વૈશ્વિક મુદ્દો પર પોતાના વિચાર રજૂ કરીશ. ગ્લોબલ સાઉથની પ્રાથમિકતા પર પણ ભાર આપવામાં આવશે.” 

    વધુમાં G7 સમિટનું સંયુક્ત નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં ઇઝરાયેલનું સમર્થન કરવા પર ભાર આપવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એસોસિએટડ પ્રેસ અનુસાર, G7 સમિટ દરમિયાન જૂથના સભ્યોએ ફરી એક વખત કહ્યું છે કે, ઇઝરાયેલને આત્મરક્ષાનો અધિકાર છે. તેમણે ઇઝરાયેલની સુરક્ષા માટે તેમના સમર્થનની પુષ્ટિ કરી છે.