Tuesday, March 18, 2025
More

    BRICS સમિટ દરમિયાન PM મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક: 5 વર્ષ બાદ મળ્યા બંને રાષ્ટ્રાધ્યક્ષો

    પાંચ વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ (Xi Jinping) વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ છે. બુધવારે (23 ઑક્ટોબર) BRICS સમિટ દરમિયાન બંને નેતાઓ મળ્યા. 

    સમગ્ર વિશ્વ બંને નેતાઓ વચ્ચેની બેઠક પર નજર રાખીને બેઠું હતું, કારણ કે ગ્લોબલ સાઉથની બે મોટી શક્તિઓના નેતાઓ એક લાંબા અંતરાલ બાદ મળી રહ્યા હતા. 

    વડાપ્રધાન મોદીએ X પર એક પોસ્ટ કરીને લખ્યું, “કઝાન બ્રિક્સ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ શિ જિનપિંગ સાથે મુલાકાત કરી.” તેમણે આગળ કહ્યું કે, “ભારત-ચીનના નાગરિકો માટે તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ મહત્વપૂર્ણ છે.”

    તેમણે આગળ ઉમેર્યું કે, “પરસ્પર સહયોગ, આદર અને સંવાદિતાથી આ દ્વિપક્ષીય સંબંધો હજુ આગળ વધશે.”

    આ બેઠક એટલા માટે પણ અગત્યની છે કારણ કે તાજેતરમાં જ ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગ કરવા માટે સહમતિ બની હતી. જેને ભારતનો એક મોટો કૂટનીતિક વિજય માનવામાં આવે છે. ત્યારબાદ હવે બ્રિક્સમાં બંને દેશોના વડાઓની મુલાકાતથી સંબંધો સુધરી રહ્યા હોવાનો સ્પષ્ટ સંકેત વિશ્વને ગયો છે.