Tuesday, February 4, 2025
More

    PM મોદી લેશે અમેરિકાની મુલાકાત: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ કરશે મંત્રણા, ગત અઠવાડિયે વ્હાઈટ હાઉસે આપ્યું હતું આમંત્રણ

    તાજેતરમાં જ અહેવાલ આવ્યા હતા કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) અમેરિકા મુલાકાતનું (USA Visit) આમંત્રણ આપ્યું હતું. ત્યારે હવે PM મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા જાય એવા અહેવાલ છે.

    અહેવાલ અનુસાર ફ્રાન્સની મુલાકાત બાદ 12 ફેબ્રુઆરીએ PM મોદી અમેરિકા જશે અને 13 ફેબ્રુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદીની મુલાકાતની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન PM મોદીની આ પહેલી અમેરિકા મુલાકાત હશે. બંને નેતાઓ વચ્ચે વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ શકે છે.

    એમ કહેવામાં આવી રહ્યું છે કે PM મોદી 12-14 ફેબ્રુઆરી સુધી અમેરિકાની રાજધાનીમાં જ રહેશે. નોંધનીય છે કે ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ 27 જાન્યુઆરીએ PM મોદી અને તેમની વચ્ચે પ્રથમવાર વાતચીત થઈ હતી.

    ત્યારપછી ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે PM મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી વતી, વિદેશ મંત્રી એસ. જયશંકરે ભાગ લીધો હતો.