Thursday, April 24, 2025
More

    ‘મહારાષ્ટ્રની જનતાએ ચૂંટણીમાં જણાવી જ દીધું છે કે કોણ ખુદ્દાર છે અને કોણ ગદ્દાર’- કુણાલ કામરા વિવાદ મામલે મહારાષ્ટ્ર CM દેવેન્દ્ર ફડણવીસ

    કોમેડિયન કુણાલ કામરાએ (Kunal Kamra) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને (Eknath Shinde) લઈને કરેલી અપમાનજનક ટિપ્પણી મામલે હવે CM દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પણ નિવેદન આપ્યું છે. કામરાએ એકનાથ શિંદેને ‘ગદ્દાર’ ગણાવીને તેમનું અપમાન કર્યું હતું. તેના જવાબમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, 2024ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની જનતાએ જણાવી દીધું છે કે, કોણ ખુદ્દાર છે અને કોણ ગદ્દાર છે.

    દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, “સ્ટેન્ડ-અપ કોમેડિયનની ટિપ્પણી અપમાનજનક હતી અને તે માટે તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ. કુણાલ કામરાએ તે જ લાલ રંગનું બંધારણ પુસ્તક બતાવ્યું છે, જે વારંવાર રાહુલ ગાંધી દેખાડે છે. બંનેએ બંધારણ વાંચ્યું નથી.”

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “સ્ટેન્ડ-અપ કોમેડી કરવાની સ્વતંત્રતા છે, પરંતુ તેઓ મનમાં આવે એ ના બોલી શકે. 2024ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની જનતાએ જણાવી દીધું છે કે, કોણ ખુદ્દાર છે અને કોણ ગદ્દાર. કુણાલ કામરાએ માફી માંગવી જોઈએ. આ ક્યારેય સહન થઈ શકશે નહીં. કાયદા અનુસાર, કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”

    વધુમાં તેમણે ઉમેર્યું કે, “શિંદે સાહેબ, માનનીય, હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેની વિચારધારાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સંદર્ભોના માધ્યમથી તેમનું અપમાન કરવામાં આવ્યું છે. તેને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે યોગ્ય ઠેરવી શકાય નહીં. બંધારણ પણ આવું જ કહે છે.”