Saturday, June 7, 2025
More

    હિંદુ યુવતી શર્મિષ્ઠાના સમર્થનમાં આવ્યા પવન કલ્યાણ, કહ્યું– માફી માંગ્યા બાદ પણ થઈ કાર્યવાહી, સનાતનનું અપમાન કરનારા TMC નેતાઓની ધરપકડ ક્યારે કરશે બંગાળ પોલીસ?

    પુણેની 22 વર્ષીય હિંદુ યુવતી શર્મિષ્ઠા પાનોલીની કોલકાતા પોલીસ દ્વારા ધરપકડ બાદ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન અને જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને બંગાળ પોલીસ અને મમતા સરકારને પણ ફટકાર લગાવી છે. 

    પવન કલ્યાણે લખ્યું, “ઑપરેશન સિંદૂર દરમિયાન શર્મિષ્ઠાએ અવાજ ઉઠાવ્યો. તેના શબ્દોથી અમુકની લાગણી દુભાઈ. તેણે ભૂલ માની, વિડીયો હટાવી દીધા અને માફી માંગી લીધી. પશ્ચિમ બંગાળ પોલીસે શર્મિષ્ઠા વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરી.” 

    આગળ તેમણે કહ્યું, “પરંતુ જ્યારે TMCના સાંસદોએ, ચૂંટાયેલા નેતાઓએ સનાતન ધર્મનું અપમાન કર્યું હતું ત્યારે લાખો લોકોની જે લાગણી દુભાઈ હતી તેનું શું? જ્યારે અમારા ધર્મને ‘ગંધ ધર્મ’ કહેવાય ત્યારે કેમ આક્રોશ વ્યક્ત કરવામાં નથી આવતો? તેમની માફી ક્યાં છે? તેમની ધરપકડ ક્યાં?”

    પવન કલ્યાણ લખે છે કે, “બ્લાસફેમીની ટીકા થવી જોઈએ. પરંતુ પંથનિરપેક્ષતા અમુક માટે ઢાલ અને અમુક માટે તલવાર ન હોય શકે. કાયમ આ બાબત સમાન રીતે લાગુ થવી જોઈએ. પશ્ચિમ બંગાળ પોલીસ, દેશ જોઈ રહ્યો છે. કાર્યવાહી કરવી જ હોય તો બધે કરો.”

    અંતે તેમને ‘આઈ સ્ટેન્ડ વિથ શર્મિષ્ઠા’ અને ‘ઇક્વલ જસ્ટિસ’નાં હૅશટેગ પણ લખ્યાં હતાં.