તમિલનાડુની સત્તાધારી પાર્ટી DMKએ દેશભરમાં સળગાવેલા ભાષાના વિવાદ પર આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ અને જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતને માત્ર એક-બે ભાષા નહીં પણ અનેક ભાષાઓની જરૂર છે, જેમાં તમિલ પણ આવી ગઈ અને હિન્દી પણ.
આ સાથે તેમણે બેવડાં ધોરણો પણ ખુલ્લાં પાડ્યાં અને કહ્યું કે, એક તરફ હિન્દીનો વિરોધ કરવામાં આવે છે અને બીજી તરફ તમિલ ફિલ્મોને હિન્દીમાં ડબ પણ કરવામાં આવે છે.
પવન કલ્યાણે કહ્યું, “તમિલનાડુમાં અમુક લોકો હિન્દીનો વિરોધ કરી રહ્યા છે. હવે મને વિચાર આવે છે કે તેઓ હિન્દી ઇચ્છતા ન હોય તો પછી આર્થિક લાભ મેળવવા માટે તમિલ ફિલ્મોને હિન્દીમાં ડબ કેમ કરવામાં આવે છે. તેમને બોલિવૂડ પાસેથી પૈસા જોઈએ છે, પણ હિન્દી સ્વીકારવી નથી. આ કેવા પ્રકારનો તર્ક છે?”
સાથે તેમણે એમ પણ કહ્યું કે, એક તરફ તમિલનાડુ બિહાર અને ઉત્તર પ્રદેશ જેવાં હિન્દી રાજ્યોમાંથી શ્રમિકોને આવકારે પણ છે અને તેમની ભાષાનો પણ વિરોધ કરે છે. તેમણે ઉમેર્યું કે આ માનસિકતા બદલાવી જોઈએ.